Saturday, May 16, 2026
Homeરાજ્યહાલારપ્રતિબંધ છતાં દ્વારકાના જગતમંદિર ઉપર ડ્રોનથી શૂટિંગ

પ્રતિબંધ છતાં દ્વારકાના જગતમંદિર ઉપર ડ્રોનથી શૂટિંગ

સુરક્ષા વ્યવસ્થાને લઈ ફરી ઉઠ્યા ગંભીર પ્રશ્નો

યાત્રાધામ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે શનિવારે વહેલી સવારે પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે. મંદિર પરિસર સહિત દ્વારકા શહેરમાં ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ હોવા છતાં બનેલી આ ઘટનાએ મંદિર સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ શનિવારે સવારે આશરે સાતેક વાગ્યાના સમયે જગત મંદિર ઉપર એક ડ્રોન કેમેરો ઉડતો જોવા મળ્યો હતો. ડ્રોન મારફતે મંદિર અને આસપાસના વિસ્તારનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હોવાની જાણ સ્થાનિક સુરક્ષા કર્મચારીઓને થતાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા તંત્ર દોડતું થયું હતું અને ડ્રોન સંચાલિત કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા શહેરમાં તેમજ ખાસ કરીને જગત મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા અંગે સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે દ્વારકા શહેરમાં વિવિધ સ્થળોએ ડ્રોન પ્રતિબંધિત વિસ્તાર દર્શાવતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. છતાં કેટલીકવાર અજાણ્યા તત્વો વહેલી સવારના સમયે ઓછી ભીડ અને ઓછા નિયંત્રણનો લાભ લઈને મંજૂરી વિના ડ્રોન કેમેરાથી શૂટિંગ કરતા હોવાના બનાવો સામે આવતા રહ્યા છે.
આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર નિયમભંગ જ નહીં પરંતુ સુરક્ષા દૃષ્ટિએ પણ ગંભીર માનવામાં આવે છે. ખાસ કરીને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને મંદિરની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

- Advertisement -

આ ઘટનાને પગલે મંદિર સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવાની તેમજ ડ્રોન ઉડાડનારા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલમાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ માહિતીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આમજનતાનું માનવામાં આવી રહ્યું છે કે, આવા લોકો કે જે પોતાના અંગત સ્વાર્થ માટે થઈ જગત મંદિર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગંભીર કહી શકાય તે રીતે ડ્રોન ઉગાડે છે અને શૂટિંગ કરે છે, તેવા લોકોને પોલીસ પકડી તો લ્યે છે પરંતુ તેના નિયમ ખૂબ જ હળવા હોય, ફરી વખત આવા બનાવ બનતા રહે છે. જો તંત્ર દ્વારા કડક નિયમ બનાવવામાં આવે અને તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી તો આવતા દિવસોમાં આવા બનાવ ન બને.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular