ભારત સરકાર દ્વારા રાષ્ટ્રિય જનગણના પ્રક્રિયા અંતર્ગત જનગણના 2027ની કામગીરી આવતીકાલથી શરૂ થનાર છે. જે 31 મે સુધી ચાલશે. આ જનગણના કાર્યવાહી અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં ચાર્જ ઓફિસરોની અને ગણતરીદાર તથા સુપરવાઈઝરની નિમણૂંક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રાષ્ટ્રિય જનગણના પ્રક્રિયા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જનગણના 2027ની કામગીરી આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ કામગીરી અંતર્ગત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં જનગણના દ્વારા વસતી સામાજિક, આર્થિક તથા આવક સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ જનગણના એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રિય કાર્ય છે. જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજનના અમલીકરણ માટે ઉપયોગી બને છે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના (સેલ્ફ ઇન્યુમીલેશન)ની સુવિધા આવતીકાલ રવિવાર તા. 17 મે 2026 થી 31 મે 2026 સુધી ઉપલબ્ધ રહેશે. જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ (se.census.gov.in) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ હાઉસ લિસ્ટીંગ ઓપરેશન (એચએલઓ)ની કામગીરી તા. 01 જૂન 2026 થી 30 જૂન 2026 દરમ્યાન હાથ ધરવામાં આવશે. જેમાં જનગણના કર્મચારીઓ ઘરે ઘરે જઇને માહિતી એકત્રિત કરશે.
જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને સિટી સેન્સસ અધિકારી દ્વારા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરી આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રિય કાર્યમાં સહભાગી થવા તથા સાચી, સંપૂર્ણ માહિતી આપવા જણાવ્યું છે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાના મુખ્ય પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી અને કમિશનર ડી. એન. મોદીના નિયંત્રણ હેઠળ સિટી સેન્સસ અધિકારી અને નાયબ કમિશનર ડી. એ. ઝાલા તથા આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાના નેજા હેઠળ વસ્તી ગણતરી શાખા આ સમગ્ર કામગીરી કરશે. મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કુલ આઠ ચાર્જ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. તેમની નીચે ગણતરીદાર/સુપરવાઈઝરની નિમણૂંક કરવામાં આવી હોય જેથી મહાનગરપાલિકાના વસ્તી ગણતરી અધિકારી, ઓફિસર, કર્મચારી કે કોઇપણ વસ્તી ગણતરીના સ્ટાફને સહીવાળા ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે. જેથી કોઇપણ અધિકારી કે કર્મચારી ઘરે આવે તો તેમની પાસે સહીવાળા ઓળખકાર્ડ જોઇને જ સંપૂર્ણ માહિતીઓ આપવી. જેથી કોઇ છેતરપિંડી કે ફ્રોડ ન બને. આ જનગણના 2027ને સફળ બનાવવા માટે દરેક શહેરીજન પોતાનું યોગદાન આપે તેવી સિટી સેન્સસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.



