જામનગર શહેરના વોર્ડ નં. 4 વિસ્તારમાં આવેલા રામેશ્વર પુલ નજીક છેલ્લા કેટલાક દિવસોથી નિર્દોષ વાછડાઓને કોથળામાં ભરી રોડ વચ્ચે ફેંકી દેવાની અમાનવીય અને ક્રૂર ઘટનાઓ સામે આવતા સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ એકલદોકલ બનાવ નથી, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી-ચોથી વખત આવી ઘટના બનતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ પ્રકારની હરકતો કોણ કરી રહ્યું છે અને તેના પાછળ શું હેતુ છે તે અંગે તંત્ર દ્વારા ગંભીર તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગૌવંશ સાથે અત્યંત ક્રૂરતા દાખવનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સમયસર પગલાં નહીં લેવાય તો આવા તત્વોની હિંમત વધી શકે છે અને સમાજમાં અશાંતિનું વાતાવરણ ઉભું થઈ શકે છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલાના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરી જવાબદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.


