Thursday, May 14, 2026
Homeરાજ્યહાલારઓમાનના દરિયામાં સલાયાનું વધુ એક વહાણ યુદ્ધનો ભોગ બન્યું

ઓમાનના દરિયામાં સલાયાનું વધુ એક વહાણ યુદ્ધનો ભોગ બન્યું

ઇરાન-અમેરિકા યુદ્ધમાં વહાણ ઉપર હુમલો : વહેલીસવારે ડ્રોન અથવા મિસાઇલ પડતાં વિકરાળ આગ : 14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડએ બચાવી લીધાં

ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ ‘હાજી અલી’ (રજીસ્ટ્રેશન નંબર BDI 1492) આજે વહેલી સવારે ડૂબી ગયું હતું. જહાજ પર સવાર તમામ 14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના 13 મેના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે ઓમાનના લિમાહ નજીક બની હતી. જહાજ પર કોઈ વિસ્ફોટક પદાર્થ, સંભવત: ડ્રોન અથવા મિસાઈલ, અથડાતા ભયાનક વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી.

વિસ્ફોટ અને આગ લાગતા જહાજ ઝડપથી ડૂબવા લાગ્યું હતું. જહાજ પરના 14 ખલાસીઓ (એક ટંડેલ અને 13 ખલાસીઓ) એ તાત્કાલિક લાઇફબોટનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં, ઓમાન કોસ્ટગાર્ડે તેમને રેસ્ક્યુ કરીને ડીબા બંદર પર પહોંચાડ્યા હતા.

- Advertisement -

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં કોઈ ખલાસીને ગંભીર ઈજા થઈ નથી અને તેમના તમામ દસ્તાવેજો પણ સલામત છે. ઓમાન પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ભારત સરકારે ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

આ જહાજ 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું. એક અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આ પ્રકારનો અકસ્માત બનતા સલાયામાં ચિંતાનો માહોલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનો ભોગ બની હોવાનું મનાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular