દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હડમતિયા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં પુરપાટ ઝડપે આવતી અશોક લેલન ગાડીના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઈક સવારનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના વતની ખીમાભાઇ કેશુરભાઇ આંબલિયા (ઉ.વ.47) નામના યુવાન ગત તા. 06ના સવારે નવેક વાગ્યાના સુમારે ભોગાતથી ભાટિયા તરફ પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન હડમતિયા ગામના પાટિયાથી ભાટિયા તરફ જતા રસ્તા પર સામેથી આવતી અશોક લેલન ફોરવ્હીલ ગાડી નં. જીજે37 ટી 9632ના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બાઈક સવાર ખીમાભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ ગાડીનો ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી હેમંતભાઇ સામતભાઇ આંબલિયાએ જાણ કરતાં પોલીસે અશોક લેલનના ચાલક વિરૂધ્ધ બી.એન.એસ. કલમ 106(1), 281, 125(એ), 125(બી) તથા એમ.વી. એક્ટ કલમ 177, 184 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


