જામનગરના વોર્ડ નં.3માં યોજાયેલાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભાજપના ચારેય ઉમેદવારોને જંગી સરસાઇથી જીતાડવા માટેનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશ્વકર્મા બાગ ખાતે યોજાયેલા આ સંમેલનમાં ઉપસ્થિત કાર્યકરોએ સમગ્ર વોર્ડમાં કેશરિયો માહોલ હોવાથી ભાજપની પેનલની જીતને નિશ્ચિત ગણાવી હતી.
શહેરના વોર્ડ નં.3માં આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર સુભાષભાઇ જોષીની આગેવાની હેઠળની સમગ્ર પેનલ નિશ્ચિત વિજય ભણી આગેકૂચ કરી રહી છે. વિશ્વકર્મા બાગ ખાતે યોજાયેલા વિશાળ કાર્યકર્તા સંમેલનમાં બહોળી સંખ્યામાં આ વોર્ડના ભાજપના કાર્યકરો, પક્ષના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સંમેલનના પ્રારંભે સ્વાગત પ્રવચન વોર્ડ નં.3ના ભાજપના પ્રમુખ નરેનભાઇ ગઢવીએ કર્યું હતું. જ્યારે આભારવિધી સિનિયર કોર્પોરેટર સુભાષભાઇ જોષીએ કરી હતી. આ સંમેલનમાં શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારીએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે, મતદારો આ વખતે પણ ભાજપની પેનલને જ જીતાડશે કેમકે 1995 થી 2025 સુધીના શાસનમાં ભાજપે અસંખ્ય વિકાસ કામો કર્યા છે. રણમલ તળાવ બ્યુટીફિકેશન, ફ્લાય ઓવરબ્રિજ, રસ્તાના વિસ્તૃતિકરણ, લાઇટ-પાણી-સફાઇ જેવી પાયાની સુવિધાના માળખાને મજબુત બનાવાયું છે. હજુ પણ આગામી પાંચ વર્ષમાં નવા ફ્લાયઓવર, રમતગમતના મેદાન, સ્પોટ્સ કોમ્પલેક્સ, ઓડિટોરિયમ, આરોગ્ય મંદિર જેવા અનેક પ્રોજેક્ટો સાકાર કરાનાર છે.
શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, સત્તા ન મળવાથી વર્ષોથી હતાશામાં રહેલી કોંગ્રેસ નકારાત્ત્મક રાજનીતિ કરે છે પરંતુ મતદારો હવે સંપૂર્ણ જાગૃત છે તેથી કોંગ્રેસની ચાલ સફળ નહીં થાય. કોંગ્રેસની નકારાત્ત્મક રાજનીતિ સામે ભાજપે અપનાવેલી વિકાસની રાજનીતિને શહેરીજનોએ સ્વિકારી છે અને તેથી જ ભાજપના ઉમેદવારોની જીત અંગે કોઇ શંકા નથી.
પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીએ જણાવેલ કે, પાયાના કાર્યકરોના આધારે આ વોર્ડમાંથી ભાજપ ચૂંટણી જીતતું આવ્યું છે. માત્ર સ્થાનિક ચૂંટણી નહીં પરંતુ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપને પ્રચંડ જનસમર્થન મળ્યું છે અને તેથી જ ચોક્કસપણે કહી શકાય કે આ વખતે પણ વોર્ડ નં.3માંથી ચારેય કમળ ખીલશે.
શહેર ભાજપના યુવા પાંખના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ જાડેજાના યુવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી કે જીત ભલે નિશ્ચિત હોય પરંતુ સમગ્ર શહેરમાં વોર્ડ નં.3 સૌથી વધુ લીડથી ડંકો વગાડે તે માટે વધુ તાકાતથી કામ કરવું પડશે. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલાં જામનગર શહેર ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ પણ કાર્યકર્તાઓની અથાગ મહેનતને બિરદાવી હતી.
આ સંમેલનમાં શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઇ ઠુમ્મર, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ખુમાનસિંહ સરવૈયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ અને જામનગરના યુવા મોરચના પ્રભારી સુખદેવભાઇ, શહેર યુવા મોરચાના પ્રમુખ સહદેવ ડાભી, પૂર્વ પ્રમુખ દિલીપસિંહ જાડેજા, કિશાન મોરચાના શહેરમંત્રી અશોકસિંહ વાળા, આ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અલ્કાબા જાડેજા, પરાગભાઇ પટેલ, પન્નાબેન કટારિયા, વોર્ડના પ્રમુખ નરેન ગઢવી તથા મહામંત્રી આદિત્ય ત્રિવેદી, જય કડીવાર, વોર્ડ નો.3 ના સહ ચૂંટણી ઇન્ચાર્જ ભાવેશભાઈ કાનાણી ઉપરાંત વોર્ડના પૂર્વ સંગઠ્ઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram
આ સંલેનમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં લોહાણા સમાજના આગેવાન ધિરૂભાઇ કારિયા, રાજુભાઇ મારફતિયા, દિપકભાઇ સામાણી, અજયભાઇ કોટેચા, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હરેશ ઓઝા, ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસના પ્રમુખ ડો.જોગીશ જોષી, ઉપપ્રમુખ કશ્યપ ત્રિવેદી, કડવા પટેલ સમાજના અશોકભાઇ વાછાણી, વિજયભાઇ દેત્રોજા, અશોકભાઈ ભૂત અને રાજુભાઈ (તુલસી પોટિક્સવાળા), જૈન સમાજના પ્રદિપ ગાંધી, અંજન મસાલિયા, અમિષ શાહ, વાટલિાય પ્રજાપતિ સમાજના પ્રમુખ અશોક રાવળ, દરજી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ટંકારિયા, ગુર્જન સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઇ ગોરેચા અને ટ્રસ્ટી દિલીપભાઇ ભારદિયા, જયમાતાજી પંચવટી ગ્રુપના પ્રમુખ સંપતસિંહ ઝાલા અને અન્ય સભ્યો, નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજા, રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિત્તિના મહિપતસિંહ ચુડાસમા અનેે ઘનશ્યામસિંહ રાણા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ દરમિયાન જેન્તીલાલ લાલજીભાઇ પ્રજાપત્તિ સહિત 21 કાર્યકરોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરતાં શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારીએ ખેસ પહેરાવી આવકાર્યા હતાં. સંમેલનના અંતે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોએ ભાજપના ઉમેદવાર સુભાષભાઇ જોષી, કૃષ્ણાબા ઝાલા, રાજેશ યાદવ, હેતલબેન ગીરીશભાઇ અમેથિયા (પ્રજાપતિ)ને ભારે લીડથી જીતાડવા ખાત્રી અને વિશ્વાસ આપ્યો હતો.


