જામનગર મહાનગરપાલિકની ચૂંટણીમાં પૂર્વ વિપક્ષી નેતા ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં હોય અને તેણે મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા કરેલી વચગાળાની જામીન અરજી સ્પેશિયલ ગુજસીટોક કોર્ટએ ફગાવી દીધી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખીલજી ગુજસીટોક ગુના હેઠળ જેલમાં હોવાથી ચૂંટણી પ્રચાર અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટેની વચગાળાની જામીન અરજી સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે રદ કરી છે. અસલમ કરીમ ખીલજીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેઓ 23 વર્ષની લાંબી કાઉન્સિલર તરીકેની રાજકીય કારકિર્દી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના માહોલમાં મતદારોનો સંપર્ક કરવો, પ્રચાર કરવો, પોલિંગ એજન્ટો ગોઠવવા અને મતદાન પ્રક્રિયામાં સામેલ થવું એ લોકશાહી અને મતદારોના હિતમાં જરૂરી છે. આ આધારે તેમણે વચગાળાના જામીન પર મુક્ત થવાની માંગ કરી હતી.
જો કે, તપાસ અધિકારી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરએ જામીન અરજીનો સખત વિરોધ કરી કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી સામે ગુજસીટોક જેવો ગંભીર ગુનો નોંધાયેલો છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આરોપીને જામીન આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. પોલીસે રજૂ કરેલી એફિડેવિટમાં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસ અને કેસની ગંભીરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોની દલીલો અને પોલીસની એફિડેવિટને ધ્યાનમાં લીધા બાદ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે અવલોકન કર્યું કે આરોપીને ચૂંટણી પ્રચાર માટે જામીન પર મુક્ત કરી શકાય નહીં. આથી, કોર્ટે અસલમ ખીલજીની વચગાળાની જામીન અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણીના સમયે જ જામીન અરજી નામંજૂર થતાં પૂર્વ વિપક્ષી નેતા અને તેમના સમર્થકોને મોટો ફટકો પડ્યો છે.


