જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં હિન્દી ભાષામાં આપેલો જવાબ ગાળો જ આપી સમજીને યુવાન ઉપર સાત શખ્સોએ ધોકા અને પટ્ટા વડે માર માર્યા બાદ છરીનો ઘા ઝિંકી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના પીથમપુરના વતની અને હાલ રણજિત સાગર રોડ ઉપર આવેલી ગોકુલદર્શન સોસાયટીમાં રહેતાં હિતેશ અને કાળુ નામના બે યુવાનો જડેશ્વર પાર્ક, જડેશ્વર મહાદેવના મંદિર પાસે, ગાંધી સોડા શોપ પાસેથી ચાલીને જતા હતા ત્યારે ઘનશ્યામ સહિતના ચાર શખ્સોએ બાઇક પર બેઠાં હતાં. તે પૈકીના એક શખ્સે હિતેશને બોલાવી વાતચીત કરી હતી. તે દરમ્યાન હિતેશે હિન્દી ભાષામાં જવાબ આપતાં શખ્સને ગાળો આપી હોવાનું લાગતા ઘનશ્યામ, ઓમદેવ, ચિરાગ, હિરેન, મિહિર, વંશરાજ, ભાવિરાજ સહિતના શખ્સોએ હિતેશને ગાળો કાઢી, માર માર્યો હતો. ત્યારબાદ હિતેશ ઘરે જતો રહેતાં ચાર શખ્સો બાઇક અને એક્ટિવા પર પાછળ જઇ બળજબરીપૂર્વક હિતેશને એક્ટિવામાં અપહરણ કરી જડેશ્વર ચોકડીએ લઇ જઇ લાકડાંના ધોકા અને પટ્ટા વડે માર માર્યો હતો. ત્યારબાદ હિતેશ નાશી ગયો હતો.
દરમ્યાન એક શખ્સે હિતેશની પાછળ જઇ અન્ય ત્રણ શખ્સોએ હિતેશને ફરીથી આંતરીને મુંઢ માર મારી, ઘનશ્યામે છરીનો ઘા ઝિંકી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બસંતીબેન ડામોર દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફએ સાત શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


