કાલાવડના માર્કેર્ટીગ યાર્ડ પાસે સ્વિફ્ટ કારએ ચાર લોકોને હડફેટે લઇ બેના મોત નિપજાવ્યા હતાં અને બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. કારચાલક અકસ્માત સર્જી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ કાલાવડ માર્કેટીંગ યાર્ડની સામે આવેલ શેરડીના રસ ડિપો ખાતે ચાર લોકો રસ પીતાં હતાં. આ દરમ્યાન ધસમસતી આવેલી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરીંગ પરથો કાબૂ ગૂમાવતાં રસ પીતાં ચાર લોકોને હડફેટે લીધાં હતાં. જેમાં દ્વારકામાં રહેતાં કીર્તિબેન હરિભાઇ ચાનપા નામના 47 વર્ષના મહિલા, હરિભાઇ હાડાભાઇ ચાનપા (ઉ.વ.54) નામના આધેડ, અશરફભાઇ ઠાસરિયા તથા અયાન અશરફભાઇ ઠાસરિયા નામના 13 વર્ષના બાળકને ઠોકરે ચઢાવ્યા હતા. કીર્તિબેનને માથાના ભાગે તથા નાક અને આંખમાં ગંભીર ઇજાઓ પહોંચતાં મૃત્યુ નિપજયું હતું. તથા અયાન ઠાસરિયા નામના બાળકને પણ માથા તથા પાંસડીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું પણ મૃત્યુ નિપજયું હતું. જ્યારે મૃતક મહિલાના પતિ હરિભાઇને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ અશરફભાઇ ઠાસરિયાને પણ ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
View this post on Instagram
અકસ્માતના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયા હતા. કારચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ પર મૂકી નાશી ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને પીએમઅર્થે ખસેડયા હતા. આ અંગે મયૂરભાઇ હરિભાઇ ચાનપા દ્વારા જીજે10 ડીએ 2745 નંબરના સ્વિફ્ટ કારચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


