જામનગર શહેરમાં જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી શહેરમાં ધીમી ધારે વરસતાં વરસાદથી જામનગરની શાનસમા લાખોટા (રણમલ) તળાવની વચ્ચે આવેલા ઘડીયાળી કૂવાનું કાળા ડિબાંગ વાદળો વચ્ચે આહલાદક દ્રશ્ય જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલથી વાતાવરણ પલટાયું હતું અને વાદળોની જમાવટ વચ્ચે ઝીણાં ઝીણાં ઝાપટાં પડતાં રણમલ તળાવનું સૌંદર્ય નિખરી ઉઠયું હતું. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસથી છૂટોછવાયા ઝાપટાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ઉનાળામાં સીમલા જેવી ઠંડક અનુભવાઇ હતી.


