જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય મંત્રી રિવાબા જાડેજા તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા જામનગર શહેરના ખંભાળિયા બાયપાસ જંકશન પર નાઘેડી બાયપાસ પાસે નવો ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટેની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી, જે રજૂઆતને આખરે સફળતા સાંપડી છે, અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગ દ્વારા ખંભાળિયા બાયપાસ જંકશન પાસે રૂપિયા 135.70 કરોડના ખર્ચે નવો ફલાય ઓવર બ્રિઝ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, અને નજીકના ભવિષ્યમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના લોકો માટે ની કાયમી સમસ્યાનો ઉકેલ આવી જશે.

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, તેમજ જામનગર ના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, ખંભાળીયા બાયપાસ કે જયાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતો બાયપાસ છે. આ રોડ પર રાજકોટથી આવતા ભારે વાહનો તથા જામનગરથી ખંભાળીયા તરફ જતા ભારે વાહનોની અવરજવર થતી રહે છે.
આ ઉપરાંત સવાર સાંજ મોટી ખાવડી સ્થિત આવેલી નાની મોટી અનેક કંપનીના કર્મચારીઓને આવન-જાવન કરવા માટે આ જ બાયપાસ પરથી કંપનીઓની બસો તથા અન્ય વાહનો અવર-જવર કરે છે. તેમજ પવિત્ર ભૂમિ દ્વારકા તીર્થ જવા માટે પણ આ જ રોડનો ઉપયોગ થતો હોય છે.
જેથી કરીને આ ખંભાળીયા બાયપાસ પર અવાર-નવાર ટ્રાફીક જામ થવાની સમસ્યા તથા અકસ્માતો થતા રહેતા હોય છે, જેના નિવારણ માટે ખંભાળીયા બાયપાસ પર ફોર લેન એલીવેટેડ ફલાય ઓવર બ્રીજની ખૂબ જ જરૂરીયાત છે.
જે રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બાબતમાં વિશેષ નોંધ લેવામાં આવી હતી, અને આખરે રાજ્ય સરકાર દ્વારા નવો ફલાય ઓવર બ્રિઝ બનાવવા માટેની મંજૂરી મળી છે. ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગ્રહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારી દ્વારા આ બાબતે 135.70 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
જેથી આખરે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓની રજૂઆતને સફળતા મળી છે, અને નજીકના ભવિષ્યમાં જ અહીં નવા ફ્લાય ઓવરનું નિર્માણ થયા પછી સ્થાનિક વાહનોની અવર-જવર માટેની કાયમી સમસ્યાનો અંત આવી શકશે.


