જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની પાણાખાણ સીમમાં નદીકાંઠે ભેંસો ચરાવતા પ્રૌઢ ઉપર વાવાઝોડાં દરમ્યાન આકાશી વીજળી પડતાં દાઝી જવાથી મોત નિપજયું હતું.

આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામમા રહેતાં માલધારી કાબાભાઇ માયાભાઇ વકાતર (ઉ.વ.52) નામના પ્રૌઢ ગુરૂવારે સાંજના 6:00 વાગ્યાના અરસામાં તેની ભેંસો ચરાવવા માટે ધ્રાફા ગામની પાણાખાણ સીમમાં, ફૂલઝર નદીના કાંઠે ગયા હતા. દરમ્યાન ફૂંકાયેલા ભારે પવન અને વરસાદ વચ્ચે આકાશી વીજળી ભેંસો ચરાવતા પ્રૌઢ ઉપર પડતા ગંભીર રીતે દાઝી ગયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વશાભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. પી. જાડેજા પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


