જામનગર તાલુકાના સરમત ગામમાં બાઇક પર આંટો મારવા નીકળેલા યુવકને ચાર શખ્સોએ આંતરીને લોખંડના પાઇપ તથા ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા કુલદીપસિંહ રણજિતસિંહ જાડેજા (ઉ.વ.21) નામનો યુવક અન્ય વ્યક્તિ સાથે બાઇક પર ગામમાં આંટો મારવા નીકળ્યો હતો. ત્યારે વાછરાડાડાના મંદિર પાસે દોલુભા જાડેજા નામના શખ્સએ યુવકને ગાળો કાઢી ફડાકા ઝિંકયા હતા. ત્યારબાદ યુવક સહિતના બે વ્યક્તિઓ ઘરે જતાં રહેતાં દોલુભા જાડેજા, મુળુભા જાડેજા, હનુભા જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના ચાર શખ્સોએ એકસંપ કરી યુવકો ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી, પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની જાણના આધારે એએસઆઇ સી. બી. ગાંભવા તથા સ્ટાફએ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


