વિશ્વના કેટલાક દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિનો પ્રભાવ હવે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર વિશ્વપ્રસિદ્ધ જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પણ પડી રહી છે. આયાત અને નિકાસની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધોને કારણે બ્રાસ ઉદ્યોગ હાલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

જામનગર શહેરને સામાન્ય રીતે બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં નાના-મોટા મળી આશરે 9 લાખ જેટલા એકમો કાર્યરત છે અને બ્રાસની વિવિધ પ્રોડક્ટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં લોકોની રોજગારી જોડાયેલી છે. પરંતુ હાલ વૈશ્વિક સ્તરે ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે વેપાર વ્યવહારો પર તેની સીધી અસર પડી રહી છે.
બ્રાસ ઉદ્યોગ માટે સૌથી જરૂરી કાચો માલ એટલે કે બ્રાસનો ભંગાર મોટા પ્રમાણમાં વિદેશી દેશોમાંથી આયાત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ભંગાર કુવૈત, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા અને ઓમાન જેવા દેશોમાંથી જામનગરમાં આવે છે. પરંતુ હાલ આ દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે આયાત પ્રક્રિયામાં અવરોધ ઉભો થતા કાચા માલની અછત સર્જાઈ છે.
કાચો માલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. કેટલાક કારખાનાઓમાં તો ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળી રહી છે. પરિણામે વેપારીઓને તેમના અગાઉથી લેવાયેલા ઓર્ડર સમયસર પૂર્ણ કરવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. બ્રાસનો ભંગાર ઓગાળવા માટે ગેસ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ હાલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સાથે સાથે ગેસ અને કાચા માલ બંનેના ભાવમાં વધારો થતા ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે. જેના કારણે ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
જામનગરમાં બનતી બ્રાસ પ્રોડક્ટ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલ નિકાસ પ્રક્રિયામાં પણ અવરોધ ઉભો થતા તૈયાર માલ વિદેશ સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. તેના કારણે ઉદ્યોગકારોના આર્થિક વ્યવહારો પર પણ અસર પડી રહી છે.
View this post on Instagram
આયાત અને નિકાસની પ્રક્રિયા ક્યારે ફરીથી સામાન્ય સ્થિતિમાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. જેના કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિને કારણે જામનગરનો બ્રાસ ઉદ્યોગ જાણે અસ્થાયી રીતે બ્રેક લાગી હોય તેવી સ્થિતિમાં પહોંચી ગયો છે અને તેની સીધી અસર વેપાર તેમજ રોજગાર પર પડી રહી છે.


