ભારતના ચૂંટણીપંચ દ્વારા વર્ષ 2025માં મતદારયાદી માટે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ મતદાર સુધારણા કાર્યક્રમ તા. 17 ફેબુ્રઆરીના પૂર્ણ કરાયો હતો. આ સુધારણા અંતર્ગત જામનગર શહેર અને જિલ્લામાં કુલ 21412 નવા મતદારો ઉમેરાતા જિલ્લામાં આખરી મતદારયાદી મુજબ કુલ 10,85,032 મતદારો નોંધાયા હતા.
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. 27-10-2025 થી જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત દેશભરમાં આખરી મતદારયાદી માટે તા. 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 17-02-2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાની આખરી મતદારયાદી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લામાં કુલ 10,85,032 મતદારોનો સમાવેશ થાય છે. આ આખરી મતદારયાદીમાં 5,61,858 પુરૂષ મતદારો તથા 5,23,161 સ્ત્રી મતદાર તથા 13 અન્ય મતદારો નોંધાયા છે. આ ઝુંબેશ દરમ્યાન કુલ 21412 નવા મતદારો નોંધાયા છે. જામનગર જિલ્લાની મતદારયાદીમાં વિધાનસભા વાઈઝ મતદારોમાં 76-કાલાવડ (અ.જા.) બેઠકમાં 2,12,845 મતદારો, 77-જામનગર (ગ્રામ્ય)માં 2,36,919 મતદારો, 78-જામનગર (ઉત્તર)માં 2,31,795 મતદારો, 79-જામનગર (દક્ષિણ)માં 1,90,498 મતદારો અને 80-જામજોધપુર બેઠકમાં 2,12,975 મતદારો નોંધાયા હતાં.
ઉપરાંત આ મતદારયાદી જાહેર કરતાં સમયે કલેક્ટરે જણાવ્યું હતું કે, કોઇપણ મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં? તેની ચકાસણી કરવા માટે ચૂંટણીપંચના અધિકૃત પોર્ટલ https://electoralsearch.eci.gov.in/નો ઉપયોગ કરી શકશે. જો કોઇ મતદાર નોંધણી અધિકારીના હુકમથી સંતુષ્ટ ન હોય તો તેઓ હુકમની તારીખથી 15 દિવસની મર્યાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટરને રૂબરૂ અથવા https://voters.eci.gov.in/ ઓનલાઇન અપીલ કરી શકશે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરવામાં આવેલી SIR અન્વયેની ‘આખરી મતદારયાદી’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને તેની નકલો સુપ્રત કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે ક્ષતિરહિત મતદારયાદી એ પાયાની જરૂરિયાત છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોના નામ ઉમેરવા, સુધારા કરવા અને મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા અત્યંત ઝીણવટપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વહીવટી તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી પારદર્શક કામગીરી અને ડેટાની સચોટતાની સરાહના કરી હતી. પક્ષના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સુધારેલી યાદી આગામી ચૂંટણી પ્રક્રિયાને વધુ ન્યાયી અને સુગમ બનાવશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, વિવિધ પક્ષોના હોદ્દેદારો તેમજ ચૂંટણી શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


