જામનગર શહેરના વોર્ડ નંબર 1 હેઠળ આવેલા ધરાનગર વિસ્તારમાં કોલેરાના કેસોમાં સતત વધારો નોંધાતા ચિંતા વધી છે. એક તરફ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દિન-રાત કામગીરી કરી રહ્યું હોવાનો દાવો કરે છે. બીજી તરફ વધતા કેસો તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ સર્જી રહ્યા છે. હાલ સુધી કુલ 20 જેટલા કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા શાખા અને ભૂગર્ભ ગટર શાખા સક્રિય બની છે. વિસ્તારને કેન્દ્રમાં રાખી તંત્ર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આંકડાકીય વિગતો મુજબ અત્યાર સુધી નોંધાયેલા 20 કેસોમાં પાંચ બાળકો, નવ મહિલાઓ અને છ પુરુષોનો સમાવેશ થાય છે. જેમાં 15 વર્ષ સુધીના બાળકોમાં બે બાળક અને ત્રણ બાળકી સામેલ છે. 16 થી 30 વર્ષની વયજૂથમાં બે પુરુષ અને ચાર મહિલાઓ પોઝિટિવ આવ્યા છે. 31 થી 50 વર્ષની વયજૂથમાં ત્રણ પુરુષ અને એક મહિલા દર્દી નોંધાયા છે. જ્યારે 51 થી 70 વર્ષની વયજૂથમાં એક પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. અગાઉ 12 કેસ નોંધાયા હતા, પરંતુ તાજેતરમાં વધુ 8 કેસ ઉમેરાતા કુલ આંક 20 પર પહોંચ્યો છે.
કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કુલ 20 ટીમોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને જેમાં કોલેરાના લક્ષણો જોવા મળતા લોકોને તાત્કાલિક સારવાર તથા જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ધરાનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે કામચલાઉ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જ્યાં ખાસ બે તબીબો સહિતની ટીમ નિમણૂંક કરવામાં આવી છે. જી. જી. હોસ્પિટલની રેપિડ રિસ્પોન્સ ટીમ પણ આરોગ્ય વિભાગને સહાય આપી રહી છે.
તંત્ર દ્વારા વિસ્તારમાં લોકોને ઉકાળેલું અને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે તથા કલોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રવિવારથી જ મહાનગરપાલિકાની ટીમો સતત આઠથી દસ કલાક સુધી મેદાનમાં રહી કામગીરી કરી રહી હોવાનું તંત્ર દાવો કરે છે. પાણી પુરવઠાની લાઈનો અને ભૂગર્ભ ગટર લાઈનોની તપાસ હાથ ધરાઈ છે. કારણ કે, પ્રાથમિક માન્યતા મુજબ પીવાના પાણીમાં ગટરના પાણીના મિશ્રણને કારણે રોગચાળો ફેલાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ વિસ્તારના રહેવાસીઓનો આક્ષેપ છે કે, લાંબા સમયથી ગંદા અને દૂષિત પાણીનું વિતરણ થતું હતું, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. રોગચાળાના કારણે સ્થાનિક લોકોમાં ભય અને પરેશાનીનો માહોલ છે. હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવવો આરોગ્ય તંત્ર માટે મોટી કસોટી બની રહ્યો છે.


