Saturday, February 7, 2026
Homeરાજ્યજામનગરખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી ગણતરીનો પ્રારંભ - VIDEO

ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી ગણતરીનો પ્રારંભ – VIDEO

જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં છ અને સાત ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી યોજાઈ રહી છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા અભયારણ્યમાં આવેલા પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ તથા પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ પક્ષી ગણતરી ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં ઉપયોગી સાબિત થશે.

- Advertisement -

ખીજડીયા પક્ષી અભયારણ્યને પક્ષીઓ માટેનું સ્વર્ગ ગણવામાં આવે છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ મહેમાન બની આવે છે. હાલ સુધી ખીજડીયામાં 300થી પણ વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી કેટલાક પક્ષીઓએ અહીં કાયમી વસવાટ પણ શરૂ કર્યો છે. ખીજડીયાનું કુદરતી વાતાવરણ, જળાશયો અને હરિયાળું પરિસર પક્ષીઓ માટે અનુકૂળ હોવાથી અહીં ખૂબ નજીકથી વિવિધ જાતિના પક્ષીઓ નિહાળવાની ઉત્તમ તક મળે છે. વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લેતા હોય છે.

- Advertisement -

આ બે દિવસીય પક્ષી ગણતરી દરમિયાન સમગ્ર અભયારણ્યને વિવિધ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને દરેક ટીમમાં 10 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમોમાં વન વિભાગના કર્મચારીઓ સાથે પક્ષીવિદો, નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ગણતરી ચોક્કસ અને વિશ્વસનીય બની રહે.

આ પક્ષી ગણતરીનો મુખ્ય હેતુ અભયારણ્યમાં પક્ષીઓની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવો, તેમની સંખ્યામાં થતા ફેરફારો સમજવા તેમજ તેમના રહેઠાણના પર્યાવરણનું અધ્યયન કરવાનું છે. આ ડેટાના આધારે સરકાર દ્વારા હાથ ધરાતી વિવિધ સંરક્ષણાત્મક યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ, પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે ભવિષ્યમાં વધુ મજબૂત અને વૈજ્ઞાનિક આયોજન તૈયાર કરવામાં આવશે, જેથી ખીજડીયા અભયારણ્યની જૈવ વૈવિધ્યતા લાંબા સમય સુધી જળવાઈ રહે.

- Advertisement -

પક્ષી ગણતરી માટે પરંપરાગત મેન્યુઅલ પદ્ધતિ સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈ-બર્ડ (eBird) એપ્લિકેશન મારફતે ડિજિટલ રીતે ડેટા નોંધવામાં આવે છે. ઉપરાંત, લેન કેમેરા, સ્કોપ, દૂરબીન, સ્કેનકાર્ડ તથા લેટેસ્ટ ફોટોગ્રાફ સાથેની બુક-ફોર્મ પદ્ધતિનો ઉપયોગ કરીને પક્ષીઓની ઓળખ અને વિગતવાર નોંધણી કરવામાં આવે છે.

આ વિશેષ કામગીરીમાં પક્ષીવિદો, વિષય નિષ્ણાતો, પક્ષીપ્રેમીઓ તથા પ્રકૃતિમિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા છે. મરીન નેશનલ પાર્ક, ખીજડીયા પક્ષી અભયારણ્ય અને વન વિભાગ સાથે સામાજિક વનીકરણ વિભાગ, વિવિધ એનજીઓ, રેસ્ક્યુ ટીમો અને ગાઈડમિત્રો પણ સહભાગી બની આ કામગીરીને સફળ બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. વિવિધ વિંગના સ્ટાફ દ્વારા સંકલિત રીતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

આ બે દિવસીય પક્ષી ગણતરીની કામગીરી મુખ્ય વન સંરક્ષક (CCF) એસ. મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષક (DCF) પ્રસાદરવિ રાધાકૃષ્ણ દ્વારા સમગ્ર આયોજન અને દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યારે ખીજડીયા પક્ષી અભયારણ્યના આરએફઓ દક્ષાબેન વધાસિયા દ્વારા મેદાની સ્તરે સંકલન અને વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular