જામનગર શહેરમાં આવેલા મયૂરનગર વિસ્તારમાંથી કડિયાકામ નકકી કરવા માટે જતાં યુવકને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરીને મારકૂટ કરી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ફરી ત્રણ શખ્સોએ યુવક ઉપર છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના યાદવનગર, ક્રિષ્ના ચોક નજીક ચર્ચની બાજુમાં રહીને વાળંદકામ કરતો રમેશભાઇ દિનેશભાઇ જગતિયા (ઉ.વ.21) નામનો યુવક સોમવારે રાત્રિના સમયે ઘરનું કડિયાકામ કરવા માટે મનોજભાઇ કડિયાને મળવા જતો હતો ત્યારે મયૂરનગર વિસ્તારમાં શિવધારા બેકરી પાસે પહોંચ્યો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ રમેશને આંતરી લીધો હતો. મારકૂટ કરી પાકિટમાં રહેલા રૂા. 1800ની લૂંટ ચલાવી હતી. બાદમાં રમેશ તેના મિત્ર સંદીપ અને પારસને લૂંટવાળી જગ્યાએ લઇ જતો હતો ત્યારે લીલા પીઠ પાસે પહોંચ્યો તે સમયે ફરીથી આ જ ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને રમેશ સાથે મારામારી કરી અને છરીના ઘા ઝીંકયા હતા. ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી જતાં જતાં પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
રાત્રિના સમયે લૂંટ અને છરી વડે હુમલાના બનાવમાં ઘવાયેલા રમેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ રમેશભાઇના નિવેદનના આધારે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ લૂંટ, હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


