જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટીયા નજીક મંગળવારે વહેલીસવારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી ઈકો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકસવાર યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટીયા પાસે મંગળવારે વહેલીસવારે સાડા છ વાગ્યાના અરસામાં નવા નાગના ગામમાં રહેતાં ઋત્વિક અને પ્રશાંતભાઇ નામના બે યુવાનો તેના જીજે-10-સીએલ-0887 નંબરના બાઈક પર જાંબુડા ગામના પાટીયાથી આગળ જોડિયા રોડ પર આવેલા બેઠા પુલ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન પુરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-ડીજે-2336 નંબરની ઈકો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈક સવાર બંને યુવકો નીચે પટકાયા હતાં. જેમાં બાઈકસવાર ઋત્વિકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા પ્રશાંતભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગેની જાણના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના કાકા પરશોતમભાઈના નિવેદનના આધારે ઈકો કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.