એકબાજુ પાકિસ્તાન મરીન સીક્યુરીટી એજન્સીની દાદાગીરીને લીધે માછીમારી ઉદ્યોગ પાયમાલ થઇ રહ્યો છે તો બીજી બાજુ ફીશ એકસ્પોર્ટરોએ પણ હવે ચીનની દાદાગીરી સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં આઠેક મહિનાથી ચીને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ફીશ એકસ્પોર્ટરોના ખુબ મોંધા અને કિંમતી માછલી ભરેલા 80 કન્ટેનરો રોકી લેતા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાઇ ગયા છે અને કેન્દ્ર સરકારને રજુઆત કરી હોવા છતા હજુ સુધી નિર્ણય લેવાયો નથી જેથી તેઓમાં આક્રાશ જોવા મળી રહ્યો છે.
આઠેક મહિના પહેલા ગુજરાતથી પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા બંદરોના સી ફુડ નિકાસકારોએ અંદાજે 80 જેટલા માછલીના કન્ટેનરો રવાના કર્યા હતા. ચાઇનાના હેલ્થ ઓથોરીટી દ્વારા ખોટી દાદાગીરી કરીને આ કન્ટેનરોને છેલ્લા આઠેક મહિનાથી કલીઅરન્સના વાંકે રોકી રાખવામાં આવતા ગુજરાતના સી ફુડ એકસ્પોર્ટરોના કરોડો રૂપિયા ફસાઇ ગયા છે. અને તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કોરોના વાયરસને લીધે વિશ્વભરમાં મંદીનો માહોલ છે તેમાં માછીમારોને પણ હવે વધુ હેરાન થવું પડે તેવી હાલત સર્જાઇ છે.
ગુજરાતમાંથી વર્ષોથી ચીનમાં સી ફુડ એકસ્પોર્ટ થાય છે અને ગુજરાતમાંથી એકસ્પોર્ટ થનાર કુલ સી ફુડમાંથી 70 ટકા માછલાઓ તો માત્ર ચીન દ્વારા જ લેવામાં આવતા હોય છે. આથી ચાઇના એ ગુજરાતનું સી ફુડ ખરીદતું સૌથી મોટુ બજાર છે. પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયુ ત્યારથી ચાઇનાની હેલ્થ ઓથોરીટીએ ગુજરાતી કન્ટેઇનરો આવે ત્યારે તેમની સાથે હેરાનગતિ શરૂ કરી દીધી છે.
ચીનની આ લુખ્ખાગીરી અંગે ગુજરાત સી ફુડ એકસ્પોર્ટર એસોસીએશન ગુજરાત રીજયનના વાઇસ પ્રેસીડેન્ટ અને એમપીડાના સભ્ય કરસનભાઇ સલેટે જણાવ્યું હતુ કે કરોડો રૂપિયાનો માલ અને કન્ટેનરો ચીનમાં ફસાઇ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી 3 હજાર કરોડનું સી ફુડ વિદેશમાં એકસ્પોર્ટ કરવામાં આવે છે. જેમા સૌથી વધુ ફીશ એકસ્પોર્ટ વેરાવળ, પોરબંદર અને માંગરોળથી થાય છે. અને કેન્દ્ર સરકારને વર્ષે દહાડે અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા માછીમારી ઉદ્યોગની આ સમસ્યા અંગે કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકારે કોઇ જ નિર્ણય લીધો નથી. તાકિદે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.