Thursday, August 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરની ઔદ્યોગિક શક્તિને વૈશ્વિક બજારો સાથે જોડશે ભારત બિલ્ડકોન

જામનગરની ઔદ્યોગિક શક્તિને વૈશ્વિક બજારો સાથે જોડશે ભારત બિલ્ડકોન

"વન નેશન, વન એક્સ્પો” વિઝન સાથે એમએસએમઇ ઉત્પાદન ઉદ્યોગો અને નિકાસને મળશે નવી દિશા : 3500 થી વધુ બ્રાસ એમએસએમઇ એકમો અને 35 હજારથી વધુ રોજગારી સાથે જામનગરના ઔદ્યોગિક કલસ્ટરને મળશે વૈશ્વિક B2B નું નવું પ્લેટફોર્મ

ભારતના બિલ્ડીંગ મટિરિયલ્સ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને સંલગ્ન ઉદ્યોગોને એક જ રાષ્ટ્રીય અને વૈશ્વિક વ્યાપારિક મંચ પર લાવવાના હેતુથી ભારત બિલ્ડકોન 2027ની પ્રેસ કોન્ફરન્સ જામનગર ખાતે યોજાઈ હતી. 3 થી 6 જૂન, 2027 દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્ધવેન્શન એક્સ્પો સેન્ટર) ખાતે યોજાનાર ભારત બિલ્ડકોન 2027 દેશના વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટર્સ, એમએસએમઈ, ઉત્પાદકો, નિકાસકારો, ખરીદદારો અને વૈશ્વિક પ્રતિનિધિઓને એક જ પ્લેટફોર્મ પર જોડશે.આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના વિવિધ ઔદ્યોગિક શહેરોને નવા બજારો, વૈશ્વિક ખરીદદારો, સરકારી સંસ્થાઓ, રોકાણકારો અને નિકાસની તકો સાથે સીધા જોડવાનો છે.

- Advertisement -

જામનગરને વિશ્વનું સૌથી મોટું બ્રાસ પાર્ટ્સ અને પ્રિસિઝન એન્જિનિયરિંગ ક્લસ્ટર માનવામાં આવે છે. શહેરમાં 5,000થી વધુ બ્રાસ અને એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ એકમો કાર્યરત છે, જે લાખો લોકોને રોજગારી આપે છે અને વિશ્વના 100થી વધુ દેશોમાં બ્રાસ કોમ્પોનેન્ટ્સ, ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ, પ્લમ્બિંગ પાર્ટ્સ, ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોનેન્ટ્સની નિકાસ કરે છે. ભારત બિલ્ડકોન 2027 દ્વારા જામનગરના ઉત્પાદકોને દેશભરના આર્કિટેક્ટ્સ, બિલ્ડર્સ, ડેવલપર્સ, ઇપીસી કોન્ટ્રાક્ટર્સ, સરકારી ખરીદી એજન્સીઓ, ડીલરો, ડિસ્ટ્રિબ્યુટરો તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધું જોડાણ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ તક મળશે.

ભારત આજે વિશ્વનું ઝડપથી વિકસતું મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. આર્થિક સર્વે 2025-26 મુજબ એમએસએમઈ ક્ષેત્ર દેશના જીડીપીમાં 31.1 ટકા, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં 35.4 ટકા અને કુલ નિકાસમાં 48.58 ટકા જેટલું યોગદાન આપે છે. આવા સમયે ભારત બિલ્ડકોન 2027 જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ દેશભરના ઉત્પાદકો, એમએસએમઈ, ખરીદદારો અને વૈશ્વિક આયાતકારોને એક મંચ પર લાવી વેપાર, રોકાણ અને નિકાસને નવી દિશા આપશે.

- Advertisement -

કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશ જેતપરીયા એ જણાવ્યું હતું કે , “ભારતીય ઉત્પાદકો ગુણવત્તા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધામાં સક્ષમ છે. જામનગર જેવા ઔદ્યોગિક ક્લસ્ટર્સને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધા જોડવાથી માત્ર નિકાસમાં જ વધારો નહીં થાય પરંતુ ’બ્રાન્ડ ઇન્ડિયા’ને વૈશ્ર્વિક સ્તરે વધુ મજબૂતી મળશે.”

ભારત બિલ્ડકોનના ડિરેક્ટર તથા બોર્ડ ઑફ ટ્રેડના સભ્ય જિતેન્દ્ર કથિરિયાએ જણાવ્યું હતું કે , “ભારત બિલ્ડકોન માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ભારતના ઉદ્યોગોને વૈશ્વિક વેપાર સાથે જોડતું રાષ્ટ્રીય આંદોલન છે. ’વન નેશન, વન એક્સ્પો’ના વિઝન હેઠળ અમે દેશના દરેક ઔદ્યોગિક શહેરને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. આ પ્લેટફોર્મ ભારતના મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ અને નિકાસ ક્ષેત્રને નવી દિશા આપશે.”

- Advertisement -

ભારત બિલ્ડકોનના ડિરેક્ટર વિજય અઘારાએ જણાવ્યું હતું કે, “જામનગરની ઔદ્યોગિક ઓળખ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. અહીંના ઉત્પાદનો વિશ્વના અનેક દેશોમાં પહોંચે છે. ભારત બિલ્ડકોન 2027 દ્વારા અમે જામનગરના ઉદ્યોગકારોને નવા ખરીદદારો, વૈશ્વિક બજારો, સરકારી એજન્સીઓ અને મોટા પ્રોજેક્ટ્સ સાથે જોડવા માટે એક શક્તિશાળી બિઝનેસ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.”

ગુજરાત ભારતના કુલ માલ નિકાસમાં અંદાજે 30 ટકા યોગદાન આપતું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. ભારત બિલ્ડકોન 2027 જામનગર સહિત ગુજરાતના ઉદ્યોગોને નવા રાષ્ટ્રીય અને વૈશ્વિક ખરીદદારો સાથે જોડીને નિકાસ, રોકાણ, ઇ2ઇ ભાગીદારી અને નવી વ્યાપારિક તકો વધારશે, જે સ્થાનિક રોજગારી, ઉત્પાદન ક્ષમતા અને રાજ્ય તેમજ દેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે.

ભારત બિલ્ડકોન 2027 માત્ર એક ટ્રેડ એક્સ્પો નહીં, પરંતુ સ્થાનિક ઉદ્યોગોને નવા ખરીદદારો, ડીલરો અને વિતરકો સાથે જોડવા, વિવિધ સરકારી વિભાગો અને નીતિ નિર્માતાઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા તેમજ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વૈશ્વિક બજારો સુધી પહોંચ અપાવતું એક સર્વગ્રાહી બિઝનેસ પ્લેટફોર્મ છે, જે વેપાર વિસ્તરણ, નિકાસ વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે.

પ્રેસ કોન્ફરન્સમાં કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશ જેતપરિયા, ભારત બિલ્ડકોનના ડિરેક્ટર તથા બોર્ડ ઑફ ટ્રેડના સભ્ય જિતેન્દ્ર કથીરિયા, ભારત બિલ્ડકોનના ડિરેક્ટર વિજય અઘારા, ડ્રીમ ડેકોર ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર તથા એએફએમટી ના મેમ્બર ભાસ્કર રાઠોડ, એટલાસ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ચાંગાણી, ડ્રીમ ટેક હાર્ડવેરના મેનેજિંગ ડિરેક્ટર તથા આરએચએમએ ના કમિટી મેમ્બર કલ્પેશ દુધાતરા અને પેરડિયમ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અમરીશ પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular