ધ્રોલ તાલુકાના જોડિયા રોડ પર લારીએ ભેળ ખાવવા માટે ગયેલા યુવાનને ચાર શખ્સો દ્વારા માર મારી ધમકી આપ્યા અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ધ્રોલના સોની બજારમા રહેતા અને ખેતીકામ કરતા રવિભાઈ રઘુભાઈ ભાલોડિયા નામના યુવાન તા.18 ના રોજ જોડિયા રોડ પર આવેલ ગફારભાઈના ડેલા પાસે બોમ્બે સ્ટાઈલ ભેળ – પાણીપુરીને લારીએ ભેલ ખાવા માટે ગયા હતાં ત્યારે આરોપી ઈરફાન સાથે ભેળ મંગાવવા બાબતે બોલાચાલી થઇ હતી આ દરમિયાન આરોપી ઈરફાને ભેળની લારી પાસે પડેલ પાણીનો ખાલી જગ ફરિયાદીને માર્યો હતો. તેમજ ઈરફાને કોઇ અજાણ્યા ત્રણ શખ્સોને બોલાવીને કહ્યું હતું કે ભેળ ખાવાની બહુ ઉતાવળ છે આજે તો તને પૂરો કરી નાખવો છે અને અપશબ્દો બોલી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદીને પકડી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે રવિભાઈ ભાલોડિયાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ધ્રોલના ઈરફાન તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.