જામજોધપુર તાલુકાના પાનીયાનેશ ગામના બસ સ્ટેન્ડ રોડ પરથી પસાર થતા બાઈક આડે સ્પિડબ્રેકર આવતા પાછળ બેસેલ યુવાન નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતા દર્શન માવજી પરમાર અને મનસુખ મગન મકવાણા નામના બન્ને યુવાનો તેના જીજે-05-બીએચ-5794 નંબરના બાઈક પર ગુરૂવારે સાંજના સમયે ઉપલેટાથી તેમના ગામ વાંસજાળિયા આવતા હતાં તે દરમિયાન જામજોધપુર તાલુકાના પાનીયાનેશ ગામના બસ સ્ટેન્ડ માર્ગ પરથી પસાર થતા હતાં ત્યારે સ્પિડબ્રેકર હોવા છતાં ચાલક દર્શને બાઈક પૂરઝપડે ચલાવતા પાછળ બેસેલો મનસુખ રોડ પર પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમ છતાં ચાલક તેની બાઇક લઇને નાશી ગયો હતો ત્યારબાદ મનસુખ મગન મકવાણા (ઉ.વ.30) નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રવિણ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલીયા તથા સ્ટાફે નાશી ગયેલા બાઈકસવાર દર્શન પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.