જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતાં યુવાનને છાતીમાં દુ:ખાવો થવાથી ઉલટી થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સી.એચ.સી.માં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર શહેરમાં માનસિક રોગની હોસ્પિટલમાં વૃદ્ધાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતાં પાલાભાઈ અરજણભાઈ હુણ (ઉ.વ.45) નામના યુવાન મંગળવારે સવારના સમયે તેના ઘરે હતો ત્યારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉલટીઓ થવાથી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જામજોધપુર સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની બિજલભાઈ મોરી દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જીતુબેન (ઉ.વ.80) નામના અજાણ્યા વૃદ્ધાનું બીમારી સબબ મંગળવારે બપોરના સમયે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના વરવાળામાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત
ઉલટીઓ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : જામનગરમાં બીમારી સબબ વૃદ્ધાનું મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી