લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતી મહિલા તેના પુત્ર સાથે બાઈક પર કાલાવડ જતાં હતાં તે દરમિયાન ધુતારપર નજીક ખાડો આવતા ચાલુ બાઈકે પટકાતા મહિલાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં લક્ષ્મીબેન મેઘજીભાઈ એરંડિયા (ઉ.વ.45) નામના મહિલા ગત તા.19 ના રોજ સવારના સમયે તેના ઘરેથી તેમના સંબંધીના જીજે-10-સીડી-3317 નંબરના બાઈક પર તેના પુત્ર બિપીનભાઈ સાથે કાલાવડ જતાં હતાં. તે દરમિયાન મોટી માટલી ગામ પહેલાં ધુતારપર જવાના રસ્તા પાસે અચાનક રસ્તામાં ખાડો આવી જતાં ચાલુ બાઈક પરથી પાછળ બેસેલા લક્ષ્મીબેન મેઘજીભાઈ ઉર્ફે મેઘાભાઈ એરંડિયા નામના રોડ પર પટકાયા હતાં. તેના કારણે હાથમાં તથા ખંભામાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને કાલાવડની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું ગુરૂવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગે મૃતકના પુત્ર બિપીનભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.જે.જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.