દેશભરમાં સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવાની જાહેરાત કરી છે. પરંતુ જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માંગે છે તેઓએ પૈસા ચુકવવા પડશે. ત્યારે કેન્દ્ર સરકાર દ્રારા ખાનગી હોસ્પિટલો માટે વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કોવેક્સિન, કોવીશીલ્ડ અને સ્પૂતનીક-વી ત્રણે વેક્સીનના ભાવ નક્કી કર્યા છે એ જ ભાવ ખાનગી હોસ્પિટલો વસુલી શકશે. જો પ્રાઈવેટ હોસ્પિટલ વધુ કિંમત વસુલશે તેઓ તેના પર સરકાર કાર્યવાહી કરશે.
કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવતી વેક્સિનના ભાવ નક્કી કર્યા છે. સરકારે કોવિશીલ્ડની કિંમત 780 રૂપિયા રાખી છે. કોવેક્સિન ખાનગી હોસ્પિટલમાં 1410 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે સ્પુતનિક V 1145 રૂપિયામાં મળશે. સૌથી મોંઘી કોવેક્સિન છે જયારે સૌથી સસ્તી કોવિશીલ્ડ છે.
સરકારે વેક્સિન પ્રોડક્શન કંપનીઓની કિંમત મુજબ તેમાં 5% GST ઉપરાંત 150 સર્વિસ ચાર્જ પણ ઉમેરવામાં આવ્યા છે. તે મુજબ કોવિશીલ્ડની કિંમત 780 રૂપિયા છે જેમાં 600 રૂપિયા વેક્સિનની કિંમત + 30 રૂપિયા GST + 150 રૂપિયા સર્વિસ ચાર્જ પ્રતિ ડોઝ હશે.
કોવેક્સિનની કિંમત સરકારે 1410 રૂપિયા નક્કી કરી છે જેમાં 1200 રૂપિયા કિંમત + 30 રૂપિયા GST + 150 રૂપિયા સર્વિસ ચાર્જ પ્રતિ ડોઝ હશે. તો રશિયન વેક્સિન સ્પુતનિક-Vની કિંમતના ભાવ પ્રાઈવેટ હોસ્પિટલ માટે 1145 પ્રતિ ડોઝ છે. 948 રૂપિયા વેક્સિનનો રેટ + 47 રૂપિયા GST + 150 રૂપિયા સર્વિસ ચાર્જ હશે.
કેન્દ્ર સરકારે કોવેક્સિન અને કોવીશીલ્ડના 44 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. ત્યારે પીએમ મોદીએ પણ જાહેરાત કરી છે કે દેશમાં સરકાર દ્રારા 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 21જુનથી વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે. કોરોનાની બીજી લહેર વચ્ચે લોકોને ફ્રી વેક્સીન અને અનાજ આપવા માટે સરકારે રૂ.1.45 લાખ કરોડનો વધારાનો ખર્ચ સહન કરવો પડશે.