Wednesday, December 4, 2024
Homeવિડિઓદ્વારકામાં ત્રણ ઈંચ સુધી વરસાદ, ખંભાળિયામાં ઝાપટા - VIDEO

દ્વારકામાં ત્રણ ઈંચ સુધી વરસાદ, ખંભાળિયામાં ઝાપટા – VIDEO

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ મેઘરાજાએ મુકામ કર્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસાવી દીધો હતો.

- Advertisement -

કલ્યાણપુર પંથકમાં આજરોજ સવારથી બપોર સુધી અવિરત રીતે હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. તાલુકામાં સવારે ધીમીધારે 8 મી.મી. બાદ સવારે 10 થી 2 દરમિયાન ધોધમાર અઢી ઈંચ પાણી વરસી જતા આજે કુલ ત્રણ ઈંચ (77 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જેના કારણે અનેક નાના સ્ત્રોતો છલકાઈ ગયા હતા.

- Advertisement -

આ સાથે ભાણવડ તાલુકામાં સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન દોઢ ઈંચ (38 મી.મી.) અને દ્વારકામાં એક ઈંચ (26 મી.મી.) પાણી પડી ગયું હતું. જો કે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં માત્ર ભારે ઝાપટા જ વરસ્યા હતા.

ભારે ઉકળાટ બાદ કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ખેતરો પાણીથી તરબતર બન્યા હતા  ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત તાલુકાના બાંકોડી, દુધિયા, દેવળીયા, વિગેરે ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે વાહન ચાલકો તથા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખંભાળિયા શહેરના રામનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. પરંતુ શહેરનો અન્ય વિસ્તાર સ્ટેશન રોડ સંપૂર્ણપણે કોરો ધાકોળ બની રહેતા આશ્ચર્ય સર્જાયું હતું. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં અડધો ફૂટ નવા નીરની આવક થતા ડેમની સપાટી 10 ફૂટે પહોંચી છે. સિંહણ ડેમમાં પણ એક ફૂટ પાણીની આવક થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular