Tuesday, August 4, 2026
Homeરાજ્યજામનગરચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતો કાલાવડનો બે વર્ષનો બાળક ગંભીર

ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતો કાલાવડનો બે વર્ષનો બાળક ગંભીર

અત્યાર સુધી 9 બાળકોના ચાંદીપુરા ટેસ્ટ કરાયા, 8ના રિપોર્ટ નેગેટિવ: હાલ બાળ વિભાગમાં 3 બાળકો સારવાર હેઠળ : જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર જિલ્લામાં ફરી એકવાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતો એક બાળક સારવાર માટે દાખલ થતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બે વર્ષના બાળકની રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતાં તેને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બાળ વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

હાલ બાળકની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા મુજબ બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે. બાળકના લક્ષણોને ધ્યાનમાં રાખીને ચાંદીપુરા વાયરસ સહિત અન્ય જરૂરી તપાસ માટે સેમ્પલ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જી.જી. હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 9 બાળકોના ચાંદીપુરા વાયરસની શંકાના આધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8 બાળકોના રિપોર્ટ પ્રાપ્ત થયા છે અને તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક બાળકનો રિપોર્ટ હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બાળ વિભાગમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને બાળકોમાં તાવ, ખેંચ, બેભાન જેવી ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા તબીબોએ વાલીઓને અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular