Tuesday, August 4, 2026
Homeરાજ્યજામનગરઆજી-3 અને ઉંડ-1 ડેમમાં નવા પાણીની આવકથી શહેર માટે રાહત

આજી-3 અને ઉંડ-1 ડેમમાં નવા પાણીની આવકથી શહેર માટે રાહત

વરસાદ અને સૌની યોજનાના પાણીથી જળસંગ્રહમાં વધારો : શહેર માટે અંદાજે 25 દિવસ જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ, સસોઈ ડેમમાં પણ પાણી પહોંચાડવાની તૈયારી

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર જિલ્લામાં બે દિવસ દરમિયાન મેઘરાજાનો મુકામ રહ્યો હતો. જામનગર શહેરમાં હજુ જોઇએ તેવો વરસાદ થયો નથી. જો કે, જિલ્લામાં થયેલા વરસાદથી શહેરને પાણી પુરૂ પાડતા ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઇ છે. વરસાદી પાણી ઉપરાંત સૌની યોજનાનું પાણી પણ ઠાલવવામાં આવી રહ્યું છે. જેથી શહેરની જળ પરિસ્થિતિમાં સુધારો થયો છે. આજી-3 અને ઊંડ-1 ડેમમાં નવા પાણીની આવક થઇ છે. ત્યારબાદ સસોઇ ડેમમાં પણ પાણી પહોંચાડવા તૈયારી ચાલી રહી છે. હાલની સ્થિતિએ જામનગર શહેર માટે અંદાજે 25 દિવસ સુધી ચાલે એટલો નવા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

શહેરને પાણી પૂરું પાડતા આજી-3 ડેમ તેમજ ઊંડ-1 ડેમમાં તાજેતરમાં થયેલા વરસાદથી નવા પાણીની આવક નોંધાઈ હતી. આજી-3 ડેમ હાલ અંદાજે સાઇઠ ટકા સુધી ભરાઈ ગયો છે. તેમાં વરસાદી પાણી ઉપરાંત સૌની યોજનાનું પાણી પણ પહોંચી રહ્યું છે. હાલ આજી-3 ડેમમાંથી ઊંડ-1 ડેમમાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે કુલ અંદાજે 20 એમસીએફટી જેટલો પાણીનો સંગ્રહ ઉપલબ્ધ થયો છે.

આગામી બે-ત્રણ દિવસમાં ઊંડ-1 ડેમમાંથી સસોઈ ડેમમાં પાણી ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સૌની યોજનાનું પાણી સસોઈ ડેમ સુધી પણ પહોંચશે, જેના કારણે શહેરની જળવ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

- Advertisement -

જામનગર શહેરમાં પાણીની અછત સર્જાય નહીં તેમજ એકાંતરા પાણી વિતરણમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, વોટર વર્ક્સ શાખાના એન્જિનિયર નરેશ પટેલ ઉપરાંત અલ્પેશ ચારણિયા તથા તેમની ટીમ સમગ્ર વ્યવસ્થા પર સતત નજર રાખી રહી છે. વરસાદી પાણી અને સૌની યોજનાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી શહેરને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે દિશામાં જરૂરી આયોજન અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular