જામનગર શહેરમાં સાત દિવસ દરમ્યાન તાવના 520 કેસો અને ઝાડા-ઉલ્ટીના 74 કેસો સામે આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા વિવિધ ઘરોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોને પણ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળો નિયંત્રણમાં રહે તે માટે મેલેરિયા વિભાગ તથા શહેરના 13 આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ ફિવર સર્વેલન્સ, એન્ટી લાર્વલ કામગીરી, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ, ક્લોરિનેશન તથા અન્ય નિવારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક સપ્તાહ દરમ્યાન 243 ટીમો દ્વારા 86,979 ઘરોનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં 520 તાવના કેસો તથા 74 ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા હતા. 1282 ઘરોમાં પોરા જોવા મળ્યાં હતાં. 4,53,115 પાત્રો તપાસવામાં આવ્યા હતાં. જેમાં 2722 પાત્રોમાં પોરા જોવા મળ્યા હતા અને 1804 પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 42,446 પાત્રોમાં એબેટ નાખવામાં આવ્યા હતા. આ સાથે 41,187 ક્લોરિન ટેબ્લેટનું વિતરણ અને 2639 ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરિકોને જણાવાયું છે કે, હાલ ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદને કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા અને અન્ય પાણીજન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરાઇ છે. લોકોને મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોના નિયંત્રણમાં સહકાર આપવા પણ અપીલ કરાઇ છે.
મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરો
ઘરની અંદર અને બહાર પાણી ભરાઈ રહેવા ન દો. પાણીની ટાંકી, ડ્રમ, કૂલર, માટલા વગેરે હંમેશા ઢાંકીને રાખો. દર અઠવાડિયે કૂલર, ફૂલદાની અને અન્ય પાણીના પાત્રો સાફ કરી પાણી બદલો. જૂના ટાયર, નાળિયેરના કાચલા, પ્લાસ્ટિકના વાસણો વગેરેમાં પાણી ભરાવા ન દો. સંપૂર્ણ બાંયના કપડાં પહેરો તથા મચ્છરદાની અથવા મચ્છર ભગાડવાના સાધનોનો ઉપયોગ કરો. તાવ આવે તો જાતે દવા લેવાના બદલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ કરાવો.
પાણીજન્ય રોગોથી બચવા આટલી સાવચેતી રાખો
માત્ર ઉકાળેલું, ક્લોરિનેટેડ અથવા શુદ્ધ પીવાનું પાણી જ પીવો. ભોજન પહેલાં અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવો. ખુલ્લામાં મળતા કાપેલા ફળ, અસ્વચ્છ ખાદ્યપદાર્થો અને બિનઆરોગ્યપ્રદ પીણાનું સેવન ટાળો. ઝાડા-ઉલ્ટી અથવા કમળાના લક્ષણો જણાય તો તરત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો અને ગંદુ પાણી ભરાવા ન દો.


