Homeખબર સ્પેશીયલજામનગરના પ્રિયાંશુ શાહની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અદભૂત સિઘ્ધિ - VIDEO

જામનગરના પ્રિયાંશુ શાહની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અદભૂત સિઘ્ધિ – VIDEO

વૈશ્વિક કક્ષાએ ત્રણ રેકોર્ડ : સુપર ટેલેન્ટેડ કીડ એવોર્ડ હોલ્ડર બન્યો : નાના પાસેથી મળેલા સંસ્કારો નવી પેઢી માટે ઉદાહરણરૂપ : ધર્મ અને પ્રતિભા પ્રત્યે સમર્પિત રહેવાનો સંદેશ

પ્રતિભા, એકાગ્રતા, જિજ્ઞાસા અને સતત મહેનત હોય તો નાની ઉંમરે પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકાય છે. તેનું ઉદાહરણ જામનગરના પ્રિયાંશુ શાહે પૂરું પાડ્યું છે. માત્ર સાત દિવસમાં સંપૂર્ણ જૈન સિદ્ધચક્ર મહાપૂજન કંઠસ્થ કરીને કોઈ પણ પુસ્તક કે લેખિત સામગ્રીનો સહારો લીધા વિના માત્ર યાદશક્તિના આધારે 1 કલાક અને 33 મિનિટમાં સમગ્ર મહાપૂજન પૂર્ણ કરવાની અનોખી સિદ્ધિ તેમણે હાંસલ કરી છે. તેમની આ પ્રતિભાની નોંધ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી રહી છે.

- Advertisement -

જૈન સિદ્ધચક્ર મહાપૂજનમાં સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાના અનેક ધાર્મિક શ્લોકો, મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓ અને વિવિધ પાઠનો સમાવેશ થાય છે. આટલી વિશાળ ધાર્મિક વિધિને માત્ર સાત દિવસમાં કંઠસ્થ કરી સંપૂર્ણ મહાપૂજન સ્મૃતિના આધારે પૂર્ણ કરવું એ તેમની અસાધારણ યાદશક્તિ અને એકાગ્રતાનું ઉદાહરણ છે.

- Advertisement -

પ્રિયાંશુએ પોતાની આ વિશિષ્ટ પ્રતિભા અને ધાર્મિક જ્ઞાન પ્રત્યેના રસ અંગે જણાવ્યું હતું કે તેમને આ પ્રકારના સંસ્કાર અને જિજ્ઞાસા પોતાના નાનાજી પાસેથી વારસામાં મળી છે. નાનાજી પાસેથી મળેલા ધાર્મિક સંસ્કારો અને પ્રેરણાને કારણે તેમને ધર્મના જ્ઞાન પ્રત્યે રસ જાગ્યો હતો. ધીમે ધીમે આ રસને તેમણે પોતાની લગન અને મહેનતથી વિશિષ્ટ સિદ્ધિમાં પરિવર્તિત કર્યો છે.

પ્રિયાંશુના જણાવ્યા અનુસાર, આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાવાથી તેમની યાદશક્તિ પણ વધુ મજબૂત બની છે. તેની અસર તેમના અભ્યાસમાં પણ જોવા મળે છે. તેમનો દાવો છે કે એકવાર ધ્યાનપૂર્વક વાંચન કરવાથી અભ્યાસની બાબતો લાંબા સમય સુધી યાદ રહી જાય છે અને તેના પરિણામે પરીક્ષામાં પણ સારા ગુણ મેળવી શકાય છે.

- Advertisement -

પ્રિયાંશુએ પોતાની આ ધાર્મિક પ્રતિભાને માત્ર જામનગર કે ગુજરાત પૂરતી મર્યાદિત રાખી નથી. તેમણે ભારતનાં મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતનાં વિવિધ રાજ્યો ઉપરાંત આફ્રિકાના દેશોમાં પણ જૈન સિદ્ધચક્ર મહાપૂજન કર્યું છે. આ માધ્યમથી તેઓ જૈન ધર્મ, ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.
પ્રિયાંશુની આ સિદ્ધિની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવામાં આવી છે. આ ઉપરાંત ધ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની વેરિફિકેશન કમિટી દ્વારા પણ તેમની રજૂઆતની સમીક્ષા કર્યા બાદ મંજૂરી આપવામાં આવી હોવાની જાણ કરવામાં આવી છે.

આ સાથે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પણ તેમની અરજી સફળ જાહેર કરવામાં આવી છે અને તેમને ’સુપર ટેલેન્ટેડ કિડ એવોર્ડ હોલ્ડર’ બનવા માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા છે. પ્રિયાંશુએ વાલીઓને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ નહીં, પરંતુ બાળપણથી જ સારા સંસ્કારો અને ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવે તે જરૂરી છે. બાળકોમાં નાનપણથી જ ધાર્મિક જિજ્ઞાસા અને સારા વિચારોનું સિંચન કરવામાં આવે તો તેઓ પોતાની પ્રતિભાને યોગ્ય દિશામાં આગળ વધારી શકે છે. સાથે જ તેમણે બાળકોને પણ સંદેશ આપ્યો હતો કે દરેક બાળકે પોતાના રસ અને રુચિના વિષયને ઓળખીને તેમાં મહેનત અને લગનથી આગળ વધવું જોઈએ. ધર્મ વિશેનું જ્ઞાન મેળવવાની સાથે પોતાની પ્રતિભા વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

આમ, નાનાજી પાસેથી મળેલા સંસ્કારો અને જિજ્ઞાસાથી શરૂ થયેલી પ્રિયાંશુની સફર આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી રહી છે. તેમની આ સિદ્ધિ માત્ર જામનગર માટે ગૌરવની બાબત નથી, પરંતુ નવી પેઢીને શિક્ષણની સાથે સંસ્કાર, ધર્મ અને પોતાની પ્રતિભા પ્રત્યે સમર્પિત રહેવાનો સંદેશ પણ આપે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular