જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-12 માં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતા શખ્સને પોલીસે રૂા.5160 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ ડીકેવી સર્કલ નજીકથી અન્ય એક શખ્સને ક્રિકેટના મેચ પર જૂગાર રમાડતા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-12 માં જાહેર રોડ પર ભારતમાં રમાતી આઈપીએલ-20-20 માં દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જયરાજસિંહ જયસિંહ જેઠવા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 160 રૂપિયા રોકડા અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.5160 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજો દરોડો જામનગર શહેરના ડીકેવી સર્કલ પાસે જાહેરમાં આઈપીએલ 20-20 માં દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમતા સુનિલ મનસુખ ગઢવી નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.110 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.5110 ના મુદ્દામાલ સાથે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.