જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. વાયરલ વીડિયોમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાબત સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સમજુબેન સિહોરાની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈને પોલીસે મહિલા બુટલેગર સામે કાર્યવાહી કરી હતી.
View this post on Instagram
બીજી તરફ, આ જ પ્રકરણને લઈને સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ અલગ-અલગ ગુનાઓના સંદર્ભે મહિલા બુટલેગર સમજુબેનના પુત્ર મનોજ ઉર્ફે મુનો બાબૂ સિહોરા અને તેની પત્ની કાજલની ધરપકડ કરવામાં આવી છે.
ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.


