જામનગરની જિલ્લા જેલમાંથી અમદાવાદની સ્કવોર્ડ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકીંગમાં વધુ બે મોબાઇલ ફોન મળી આવતા રાબેતા મુજબ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલ અવાર-નવાર ચર્ચામાં રહે છે અને જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ચેકિંગ દરમિયાન મળી આવવાની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઇ છે. જો કે, અવાર-નવાર જેલમાંથી મળી આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓમાં અત્યાર સુધીમાં કોઇપણ કર્મચારીની સંડોવણી ખુલ્લી નથી અને આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓ સપ્લાય કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે શનિવારે અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક જેલર ગુ્રપ 2 ની જડતી સ્કવોર્ડની ટીમે શનિવારે બપોરના સમયે યાર્ડ નંબર 1 તથા 7 ની બેરેકમાં ચેકિંગ કાર્યવાહી દરમિયાન રૂા.200 ની કિંમતના 2 પ્રતિબંધિત મોબાઇલ મળી આવતા અમદાવાદની સ્કવોર્ડના દેવશીભાઈ કરંગીયા દ્વારા સીટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે તપાસ આરંભી હતી.