દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી અને અસરકારકતાપૂર્વક પાસાની દરખાસ્ત તૈયાર કરવાની જવાબદારી એલસીબી વિભાગને સોંપવામાં આવી છે. જે અંતર્ગત એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દ્વારકાના ભીમપરા ગામના મૂળ રહીશ અને હાલ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા મુરુભા ઉર્ફે મોડભા મેરૂભા માણેક (ઉ.વ. 21) અને આ જ વિસ્તારમાં રહેતા કરણ ઉર્ફે કનુ ટપુભા સુમણીયા (ઉ.વ. 24) નામના બે શખ્સો સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરાવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા પાસાની આ દરખાસ્ત મંજુર કરી અને અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

જેથી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ ટીમ દ્વારા વોરંટની બજવણી કરી અને આરોપી મુરુભા માણેકને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે તેમજ અન્ય આરોપી કરણ ઉર્ફે કનુ સુમણીયાને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. ગોહિલ સાથે ટીમના બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, બલભદ્રસિંહ ગોહિલ, અરજણભાઈ સોનગરા, પીઠાભાઈ, લાખાભાઈ, સચિનભાઈ તેમજ ડેપ્યુટી મામલતદાર નિલેશભાઈ કરમુરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.