View this post on Instagram

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજના સમયે પસાર થતી રીક્ષાને પૂરપાટ આવી રહેલી કારે હડફેટે લેતા રીક્ષા આગળ જતા ટ્રક સાથે અથડાતા ત્રીપલ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં રહેતાં સોહિલ વલીભાઈ શેખ અને હાજી ઉર્ફે મોહસીન કાસમભાઈ નામના બે યુવાન મિત્રો ગઈકાલે સાંજે તેમની જીજે-10-ટીઝેડ-1889 નંબરની પીકઅપ લોડીંગ રીક્ષામાં ટાઈલ્સ ઉતારવા માટે જતા હતા તે દરમિયાન જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પુરપાટ આવી રહેલી જીજે-03-એમબી-4004 નંબરની સફેદ કલરની હેરીયર કારના ચાલકે રીક્ષાને હડફેટે લેતા રોડ પર પાર્ક કરેલા જીજે-10-ટીવાય-6695 નંબરના ટ્રક પાછળ ધઢાકાભુર અથડાતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર સોહીલ અને હાજી ઉર્ફે મહોસીનને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સોહિલ વલ્લીભાઈ શેખ (ઉ.વ.32) અને હાજી ઉર્ફે મહોસીન (ઉ.વ.32) નામના બંને યુવાનોના સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યા હતાં.
અકસ્માતના બનાવની જાણ થતા મૃતકોના નજીકના કોર્પોરેટર અસલમ ખીલજી તથા પટણી સમાજના યુવાનો જી જી હોસ્પિટલે દોડી આવ્યા હતાં અકસ્માતની જાણના આધારે પીઆઈ પી ટી જયસ્વાલ તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી બંને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતક સોહિલના ભાઈ સેજાનના નિવેદનના આધારે હેરીયર કારના ચાલક અને ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.