Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરપડાણામાં ધોધમાર પાંચ, જામનગર શહેરમાં અઢી ઈંચ વરસાદ

પડાણામાં ધોધમાર પાંચ, જામનગર શહેરમાં અઢી ઈંચ વરસાદ

મોટી બાણુંગાર, હડિયાણામાં ત્રણ - ત્રણ ઈંચ : ધ્રોલમાં પોણા ત્રણ ઈંચ : જોડિયામાં સવા અને જામજોધપુરમાં એક ઈંચ : કાલાવડ ગામ કોરૂ ધાકોડ

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની કરાયેલી આગાહી મુજબ, વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં છેલ્લાં 24 કલાક દરમિયાન ધોધમાર પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટી બાણુંગાર, હડિયાણામાં ત્રણ – ત્રણ ઈંચ અને ધ્રાફામાં અઢી ઈંચ પાણી પડયું હતું. ધ્રોલમાં ચાર કલાકમાં પોણા ત્રણ ઈંચ અને જામનગર શહેરમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ જતા જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાકના આંકડાઓ મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામમાં સૌથી વધુ ધોધમાર પાંચ ઈંચ પાણી વરસતા માર્ગો પર અને ખેતરોમાં પાણી-પાણી થઈ ગયું હતું તેમજ જામનગર જિલ્લાના મોટી બાણુંગારમાં એકધારો ત્રણ ઈંચ વરસાદ વરસતા નદી બેકાંઠે વહેવા લાગી હતી. જ્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ત્રણ ઈંચ પાણી પડતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા હતાં. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગ્રામ્ય પંથકમાં વાવણી બાદ વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઇ હતી. ધ્રોલમાં મંગળવારે સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીના ચાર કલાકમાં મેઘાએ દે ધના ધન વરસતા પોણા ત્રણ ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું અને તાલુકાના લતીપરમાં પણ દોઢ ઈંચ તથા જાલિયાદેવાણી અને લૈયારામાં જોરદાર ઝાપટાં વરસ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં મંગળવારે બપોરના 3 વાગ્યાથી ઘેરાયેલા વાદળોએ આકાશમાંથી પાણી વરસાવવાનું શરૂ કર્યુ હતું. ધીમી ધારે શરૂ થયેલો વરસાદે ધીમે ધીમે ગતિ પકડી હતી અને છ કલાકના સમય દરમિયાન શહેરમાં વધુ બે ઈંચ પાણી વરસાવતા શહેરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 122 મિ.મી. વરસાદ નોંધાયો છે. શહેરમાં પડેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની રાબેતા મુજબની ફરિયાદો ઉઠી હતી. ઉપરાંત શહેરના તળાવમાં પાણીની પુષ્કળ આવક થવાથી શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ જામનગર તાલુકાના ફલ્લામાં વધુ બે ઈંચ તથા લાખાબાવળ, દરેડ, વસઈમાં એક-એક ઈંચ અને ધુતારપુર, અલિયાબાડામાં અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું.

જોડિયામાં મંગળવારે સાંજથી ધીમી ધારે મેઘરાજાએ દોઢ ઈંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાએ બાલંભા અને પીઠડમાં વધુ અડધો-અડધો ઈંચ પાણી પડયાનો અહેવાલ છે. જામજોધપુરમાં મંગળવારે સાંજના 4 થી 6 ના સમય દરમિયાન ધીમી ધારે એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત તાલુકાના આંકડાઓ મુજબ, વાંસજાળિયામાં ધોધમાર બે ઈંચ અને શેઠવડાળા, જામવાડી, ધુનડામાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે પાણી વરસ્યું હતું. લાલપુરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં અને તાલુકામાં પીપરટોડા અને ડબાસંગમાં દોઢ-દોઢ ઈંચ તેમજ મોડપર, મોટા ખડબા અને ભણગોરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.

- Advertisement -

જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જ્યારે છેલ્લાં 24 કલાક દરમિયાન એકમાત્ર કાલાવડમાં વરસાદનો છાંટો પણ પડયો ન હતો. જ્યારે કાલાવડના તાલુકા વિસ્તારના આંકડાઓમાં મોટા દેવડામાં બે ઈંચ, નવાગામમાં સવા ઈંચ અને ભ. બેરાજામાં પોણો ઈંચ તથા નિકાવા, ખરેડીમાં અડધો-અડધો ઈંચ અને મોટા વડાળામાં જોરદાર ઝાપટું પડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular