કૃષિ કાયદાઓની વાપસીને પગલે હવે અન્ય લોકોને પણ સરકાર પાસે પોતાની માગ મનાવવાની તક મળી ગઇ છે. સાધુ સંતો દ્વારા પણ હવે આંદોલનની જાહેરાત કરાઇ છે. દિલ્હીમાં આવેલા સાધુ સંતોએ મઠ-મંદિર મુક્તિ આંદોલનની જાહેરાત કરી છે. સંતોએ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને સરકારોએ મંદિરો અને મઠ પર નિયંત્રણ ન કરવું જોઇએ તેવી માગણી કરી છે. સાધુ સંતોની માગણી છે કે મંદિર કે મઠ પર સરકારનું કોઇ જ નિયંત્રણ ન હોવું જોઇએ અને જો ખેડૂતો સરકારને ઝુકાવી શકતા હોય તો પછી સાધુ સંતો કેમ નહીં. ખેડૂતોની જેમ જરૂર પડી તો અમે પણ દિલ્હીમાં ધરણા પર બેસી જઇશું અને અમારી માગ સરકાર સુધી પહોંચાડીશું. અખિલ ભારતીય સંત સમિતિના તત્વાવધાનમાં આયોજિત કાર્યક્રમમા મંચ પરથી સાધુ સંતોએ જાહેરાત કરી છે કે જો ખેડૂતો દિલ્હીના રસ્તા રોકીને ધરણા પર બેસી શકે અને સરકારને ઝૂકાવી શકે તો અમે સાધુ સંતો કેમ તેવું ન કરી શકીએ. અખિલ ભારતીય અખાડા પરિષદના સભ્ય મહંત રવીંદ્ર પુરી મહારાજે સુપ્રીમ કોર્ટના એક આદેશને ટાંકીને કહ્યું હતું કે 2014માં સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં સિૃથત નટરાજ મંદિરમાં સરકારની દખલગીરી નકારી દીધી હતી અને કહ્યું હતું કે મંદિરોનું સંચાલન અને વ્યવસૃથા ભક્તોનું કામ છે. મા કાલિકા સિદ્ધ પીઠ કાલિકાજી મંદિરના મહંત સુરેન્દ્રનાથ અવધૂત મહારાજે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારને મંદિરોનું પ્રબંધન તુરંત જ સાધુ સંતોને સોપી દેવું જોઇએ. જો આવું ન કરવામાં આવ્યું તો પુરા દેશમાં સાધુ સંતો આંદોલન કરશે.