ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં તસ્કરોએ સપ્તાહ પૂર્વે જુદા-જુદા ત્રણ સ્થળોએ ઘરફોડી કરીને રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળશે વિગત મુજબ મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ટાટા ટાઉનશિપમાં રહેતા અકબરભાઈ દાઉદભાઈ ભીખલાણી નામના 37 વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી, અને તેમના ઘરમાં રાખવામાં આવેલા આવેલી સોનાની 3 ગ્રામ વજનની બુટી, 1.4 ગ્રામ વજનની સોનાની વીંટી ઉપરાંત રૂપિયા 4,000 રોકડા મળી કુલ રૂપિયા 18,950 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં તેમણે જાહેર કર્યું છે.
આ ઉપરાંત આ જ વિસ્તારમાં ગોલ્ડન જ્યુબેલી ક્વાર્ટર નંબર 61 માં રહેતા અન્ય વિષ્ણુભાઈ ઉકાભાઈ નકુમના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી અને તસ્કરોએ આ સ્થળેથી રૂપિયા 10 હજાર રોકડા તેમજ આ જ વિસ્તારમાં રહેતા અન્ય એક આસામી રવિભાઈ ગોપાલભાઈ રાઠોડના રૂમ નંબર 71 વાળા મકાનમાંથી રૂપિયા 3,000 રોકડા ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, થર્ટી ફર્સ્ટના રાત્રિના સમયે તસ્કરોએ મીઠાપુરમાં ત્રણ સ્થળોએ કરેલી ચોરીમાં કુલ રૂ. 31,950 નો મુદ્દામાલ ચોરાયો હોવાનું ખુલવા પામ્યું છે. ગઈકાલે પોલીસ ચોપડે નોંધાયેલા આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.