જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વાસણના ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રાંબાના બેડા, ત્રાંબાની બોટલો, પીતળની તપેલી સહિત કુલ રૂા.1,21,400 નો માલ સામાન ચોરી કરી નાશી ગયા હતાં. આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના 11 દિગ્વીજય પ્લોટ અંબિકા ડેરી સામે રહેતાં બલરામભાઇ રૂપચંદભાઈ પારવાણીના દિ.પ્લોટ શેરી નંબર-10 માં વાસણના ગોડાઉનમાંથી તા.18 ના રોજ તસ્કરો ત્રાટકયા હતાં. ફરિયાદીના વાસણના ગોડાઉનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી તેમાં રાખેલ રૂા.72000 ની કિંમતના 48 નંગ ત્રાંબાના બેડા, રૂા.24200 ની કિંમતની 110 નંગ ત્રાંબાની બોટલો તથા રૂા.25,200 ની કિંમતની 36 નંગ પીતળની તપેલી સહિત કુલ રૂા.1,21,400 ની કિંમતનો માલસામાન ચોરી કરી નાશી ગયા હતા. આ અંગે બલરામભાઈ દ્વારા સિટી એ ડીવીઝનમાં બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સિટી એ પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એલ બી જાડેજા સહિતના સ્ટાફે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.