ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને 18 હજારની રોકડ રકમ અને સોનાના દાગીના સહિતની કુલ રૂા. દોઢ લાખની ચોરી કરી નાશી ગયા હતાં આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં આવેલા મેરાજ પાર્ક ખાતે રહેતા અને પાર્લરનું કામ કરતા જાયદાબેન સિકંદરભાઈ અહેમદભાઈ જુણેજા નામના મહિલાના બંધ મકાનમાં સોમવાર તા. 16 ના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ આ રહેણાંક મકાનનું તાળું તોડી, અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ કબાટનું તાળું તોડીને તેમાં રહેલી 12 ગ્રામ વજનની સોનાની બે બંગડી, 5 ગ્રામનું સોનાનું પેન્ડલ, 8 ગ્રામનો સોનાનો ચેન મળી, કુલ રૂપિયા 1,37,238 ની કિંમતના સોનાના દાગીના ઉપરાંત રૂપિયા 18,000 ની રોકડ રકમ મળી, કુલ રૂપિયા 1,55,238 ની રકમ ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પીએસઆઈ આઈ.આઈ. નોયડા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.