કાલાવડ ગામમાં આવેલા સોસાયટી વિસ્તારોમાં જુદા-જુદા પાંચ રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને પાંચ મકાનોમાંથી કુલ રૂા.2,60,000 ની માલમત્તા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તથા ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આદરી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો રંજાળ અવિરત રહ્યો છે. સમયાંતરે મકાન, બંગલા, દુકાનો અને ફેકટરીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપી રહ્યાં છે. દરમ્યાન કાલાવડ ગામમાં આવેલા સોસાયટી વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવી એકસાથે પાંચ-પાંચ મકાનોમાંથી લાખોની માલમત્તા ચોરી કરી ગયા હતાં. આ બનાવની વિગત મુજબ વાવડી રોડ પર આવેલી શ્યામવાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઇ ભંડેરી નામના નોકરી કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી લોખંડના કબાટની તિજોરી તોડી તેમાંથી સોનાના પાટલા 2 નંગ, સોનાની બુટી 1 નંગ, સોનાની વીંટી 2 નંગ તથા ચાંદીની જાંજરી 1 નંગ અને 50,000 ની કિંમતના જુના દાગીના તેમજ તિજોરીમાં રાખેલી રૂા.2,10,000 ની રોકડ રકમ મળી કુલ રૂા.2,60,000ની માલમત્તા ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ અશ્વિનભાઈના મકાનમાંથી ચોરી આચર્યા બાદ અવધ રેસીડેન્સી, હેલીપેડ સોસાયટીમાં આવેલા કપિલભાઇ ધરમદાસભાઇ પૂર્ણ વૈરાગી અને આનંદભાઇ રમેશભાઇ સખિયા, રાજેશભાઇ બધેલ, અલ્પેશભાઇ ભાણજીભાઇ બગડાના મકાનોને પણ નિશાન બનાવ્યા હતાં.
તસ્કરોએ એકસાથે પાંચ-પાંચ મકાનોના તાળા તોડી લાખોની માલમત્તાની ચોરી કરી ગયાં હતાં. કાલાવડ જેવા નાના ગામના સોસાયટી વિસ્તારમાં એકસાથે પાંચ-પાંચ મકાનોના તાળા તૂટતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ ચોરીના બનાવની અશ્વિનભાઈ દ્વારા જાણ કરાતા પી.આઇ. એન.વી. આંબલિયા તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ આરંભી હતી અને સીસીટીવી ફૂટેજોના આધારે તથા ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.