લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી યુવતીને તેણીના વતન જવા માટે પતિએ થોડા સમય પછી જવાનું કહેતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડમાં આવેલાં ટુ-વ્હીલર પાર્કિંગ પાસેથી ભિક્ષુક વૃધ્ધનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતી રાજલબેન કૈલાશ ગૌસ્વામી(ઉ.વ.24) નામની પરણિત યુવતીને તેણીના વતનમાં જવાનું હોય જેથી પતિને કહેતાં પતિએ હાલમાં કપાસનું કામ ચાલુ હોય માટે થોડા સમય પછી વતનમાં જવાનું કહેતાં મનમાં લાગી આવતાં રાજલબેને બુધવારે બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયું હતું. આ અંગે મૃતકના પતિ કૈલાશભાઇ દ્વારા જાણ કરતાં પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડમાં આવેલાં ટુ-વ્હીલર પાર્કિંગ નજીક ભિક્ષુક જેવાં લાગતા 65 વર્ષના અજાણ્યા વૃધ્ધ બે શુધ્ધ હાલતમાં મળી આવતાં આ અંગે કોન્ટ્રાકટર પ્રફુલસિંહ ચૌહાણ દ્વારા જાણ કરતાં હેકો. આર.ડી.ગાંભવા તથા સ્ટાફે વૃધ્ધને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.