જામનગરના નાગેશ્વર વિસ્તારમાં વ્હોરાના હજીરામાં આવેલ દરગાહમાં આવેલ દાન પેટીમાંથી તસ્કરો રૂા.1,75,000 ની રોકડ રકમ ચોરી કરી નાશી ગયા હતા આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર તા.14ના રાત્રિથી તા.15 ના બપોરના સમય સુધીમાં તસ્કરો ત્રાટકયા હતાં. અને દરગાહના દરવાજામાં મારેલ તાળુ તોડી અંદર પ્રવેશ કરી દરગાહમાં રાખેલ લાકડાની દાન પેટી તોડી તેમાં રહેલ અલગ અલગ દરની ચલણી નોટો અંદાજે રૂા.1,75,000 અથવા તેનાથી ઓછી અથવા વધારેની રકમ ચોરી કરી નાશી છૂટયા હતાં. આ અંગે અદનાન કુરેશભાઇ ખોમોશી દ્વારા પોલીસને જાણ કરાતા સિટી બી ડીવીઝન પોલીસ દોડી ગઈ હતી અને આ અંગે સીસીટીવી ફુટેજ સહિતના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. સિટી બી ડીવીઝન પીએસઆઈ આર.બી. અંસારી દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.