Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં ત્રણ દિવસથી મેઘમહેર છતાં હજુ 41 ટકા વરસાદની ખાધ

રાજયમાં ત્રણ દિવસથી મેઘમહેર છતાં હજુ 41 ટકા વરસાદની ખાધ

છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદ

- Advertisement -

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 જેટલા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં મોન્સૂન સક્રિય થયું છે. એની સાથે જ આગામી 5 દિવસ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજસ્થાન અને એને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular