જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 18માં ફરજ બજાવતા શિક્ષકને સસ્પેન્ડ કરવાના પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેમાં વાલીઓ બાદ આજે વિદ્યાર્થીઓ મેદાને પડયા હતા. 500 જેટલાં વિદ્યાર્થીઓએ શિક્ષકનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ લિવિંગ સર્ટીફિકટ કઢાવી લેશે તેવી ચિમકી આપી આજે એકપણ વિદ્યાર્થી હાજર રહ્યો ન હતો.
મળતી વિગત મુજબ જામનગર નગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાણાખાણ વિસ્તારમાં આવેલી શાળા નંબર 18ના શિક્ષક રામગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ શિક્ષકને સસ્પેન્ડ કરાયા બાદ મામલો વધુ ગરમાયો હતો. શાળાના વાલીઓ મેદાને પડયા હતા. ત્યારબાદ આજે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકનું સસ્પેન્શન પરત ખેંચી લેવા માટે 500 થી વધુ વિદ્યાર્થીઓએ ગેરહાજર રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિદ્યાર્થીઓએ જ્યાં સુધી શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રાનું સસ્પેન્શન રદ્ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે અને જો સસ્પેન્શન રદ કરવામાં નહીં આવે તો શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કઢાવી લેશે તેવી ચિમકી આપી હતી.