Saturday, October 12, 2024
Homeસ્પોર્ટ્સક્રિકેટ ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ,માત્ર દોઢ દી’માં પરિણામ

ક્રિકેટ ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ,માત્ર દોઢ દી’માં પરિણામ

- Advertisement -

પાંચ દિવસની ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં પૂર્ણ થઈ જાય તેવું ભાગ્યે જ બને છે અને તેમાં ય ભારત જીતે તેમ માત્ર ત્રણ વાર બન્યું છે. ગુરુવારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આ કમાલ કરીને સાઉથ આફ્રિકાને માત્ર બે દિવસમાં જ સાત વિકેટે હરાવીને બે ટેસ્ટની વર્તમાન સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા હાંસલ કરી હતી. આ મેચમાં માત્ર 642 બોલ (107 ઓવર) પૂર્ણ થઈ ગઈ હતી જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં અગાઉ કોઈ ટેસ્ટ મેચ 107 ઓવરમાં પૂરી થઈ ન હતી.

- Advertisement -

ન્યૂલેન્ડ્સ ખાતે રમાયેલી અને બે દિવસ ચાલેલી બીજી ટેસ્ટમાં બુધવારે પ્રથમ દિવસે ભારત માટે મોહમ્મદ સિરાઝે વેધક બોલિંગ કરી હતી અને છ વિકેટ ખેરવીને સાઉથ આફ્રિકાને માત્ર 55 રનમાં આઉટ કરી દીધું હતું જ્યારે ગુરુવારના બીજા દિવસે જસપ્રિત બુમરાહે એવી જ ખતરનાક બોલિંગ કરીને સાઉથ આફ્રિકાની છ વિકેટ ઝડપી હતી જેને કારણે માર્કરમની લડાયક સદી છતાં ગૃહટીમ 176 રન કરી શકી હતી અને 36.5 ઓવરમાં તેની ઇનિંગ્સ પૂર્ણ થઈ ગઈ હતી. ભારતે બુધવારે તેના પ્રથમ દાવમાં 153 રન નોંધાવ્યા હતા. આમ 98 રનની સરસાઈ બાદ ભારતને મેચ જીતવા માટે 80 રનનો ટારગેટ મળ્યો હતો જે તેણે ત્રણ વિકેટના ભોગે વટાવી દીધો હતો. આમ મેચ તેના બીજા દિવસે અને આમ જોઇએ તો દોઢ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી.

ગુરુવારે સવારે સાઉથ આફ્રિકાએ તેનો બીજો દાવ ત્રણ વિકેટે 62 રનના સ્કોરથી આગળ ધપાવ્યો ત્યાર બાદ પહેલી જ ઓવરમાં બુમરાહે બેડિંગહામને વિકેટ પાછળ ઝડપાવીને ભારતના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. માર્કરમને બાદ કરતાં સાઉથ આફ્રિકાનો કોઈ બેટ્સમેન બુમરાહ સામે ટકી શકતો ન હતો. તેને સામે છેડેથી મોહમ્મદ સિરાઝ અને મુકેશ કુમારનો મજબૂત સહકાર સાંપડ્યો હતો જેને કારણે હરીફ ટીમના બેટ્સમેન રન લઈ શકતા ન હતા. માર્કરમે 103 બોલની ઇનિંગ્સમાં 17 ચોગ્ગા અને બે સિક્સર સાથે 106 રન ફટકાર્યા હતા પરંતુ તે સિવાયનો કોઈ બેટ્સમેન 20 રનના આંક સુધી પણ પહોંચી શક્યો ન હતો. સાઉથ આફ્રિકાના માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા જેમાં માર્કરમની સદીને બાદ કરતાં છેલ્લી ટેસ્ટ રમી રહેલા ડીન એલગર (12), બેડિંગહામ (11) અને માર્કો યાનસેન (11)નો સમાવેશ થતો હતો. જસપ્રિત બુમરાહે 61 રનમાં છ વિકેટ ઝડપી હતી તો મુકેશ કુમારે 27 રન આપીને બે વિકેટ લીધી હતી. મુકેશે પ્રથમ દાવમાં એક પણ રન આપ્યા વિના બે વિકેટ ઝડપી હતી. બુમરાહે તેની 32 ટેસ્ટની કારકિર્દીમાં નવમી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધારે વિકેટ ઝડપી હતી. અગાઉ 2022માં તેણે આ જ મેદાન પર સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટ ખેરવી હતી પરંતુ તે વખતે ભારતનો પરાજય થયો હતો. સાઉથ આફ્રિકા સામે તેણે ત્રીજી વાર પાંચ કે તેથી વધારે વિકેટ ખેરવી છે અને તમામ વખત તેણે સાઉથ આફ્રિકન ધરતી પર જ આ સિદ્ધિ હાંસલ કરી છે. જસપ્રિત બુમરાહ અને ડીમ અલગરને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા તો મોહમ્મદ સિરાઝને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular