જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના ત્રણ કેડેટસની આગામી તા.26 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે.
આ માટે જાડેજા જયેન્દ્રસિંહ ઉમેદસંગ, સોનગરા મનીષ હીરાભાઈ અને જાડેજા મનદીપસિંહ ભગીરથસિંહ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪, પ્રજાસત્તાકદિન પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એન.સી.સી.નું પ્રતિનિધિત્વ કરશે.આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટ્સને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ સાદર નિમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કેડેટસને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશ જોષીએ સઘન તાલીમ આપી હતી. જેના કારણે તેઓની આ પસંદગી થતા સમગ્ર જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. આ તકે સંસ્થાના પ્રિન્સીપાલ જે.આર.શાહ, પ્રિન્સીપાલ આર.એસ.ત્રિવેદી તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. ના CO કર્નલ મનીષ દેવરેએ કેડેટ્સને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.