જામનગર શહેરમાં ગઇકાલે મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી શહેરીજનોને ગરમીમાંથી આંશીક રાહત મળી હતી. જામનગર શહેર ઉપરાંત દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પણ આજે સવારથી કેટલાક વિસ્તારોમાં અમી છાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જામનગર સહિત હાલાર પંથકમાં લોકો સૂર્યનારાયણના આકરા મીઝાજથી પરેશાન થયા છે. છેલ્લા થોડા દિવસથી આકરી ગરમીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. ખાસ કરીને બપોરના સમયે બીનજરૂરી બહાર નિકળવાનું પણ લોકો ટાળી રહ્યા હતાં. શહેરીજનોને આકરા તાપ અને બફારા વચ્ચે છેલ્લા એકાદ બે દિવસથી હાલાર પંથકમાં વરસાદી વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. ગઇકાલે વાતાવરણમાં પલટા સાથે મોડી રાત્રે જામનગર શહેરના દિગ્જામ સર્કલ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી શહેરીજનોને ગરમીમાંથી થોડી ઘણી રાહત અનુભવાય હતી.
સમગ્ર દિવસ દરમિયાન ગરમી બાદ આવેલા વાતાવરણમાં પલટા અને વરસાદી ઝાપટાથી શહેરીજનો ખુશ થયા હતાં. અને આ વરસાદી ઝાપટાને કારણે મોડી રાત્રે માર્ગો પણ ભીંજાયા હતાં. જામનગરમાં આજે પણ સવારે વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 36.5 ડીગ્રી, લઘુત્તમ તાપમાન 28.ર ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા, પવનની ગતિ 15.8 પ્રતિ કલાક નોંધાઇ હતી. જામનગર શહેર ઉપરાંત આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પણ અમી છાંટણા જોવા મળ્યા હતાં.
View this post on Instagram
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ આકાશમાં વાદળોની અવરજવર જોવા મળી હતી. સવારે આશરે 7:30 વાગ્યાના સમયે જુદા જુદા વિસ્તારોમાં હળવા છાંટા વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ હળવા વરસાદથી થોડો સમય વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. ત્યારે આને ખેતી માટે આશીર્વાદરૂપ ગણાવી ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સ્થાનિક ખેડૂતોએ સમયસર વરસાદ સાથે ખરીફ પાકની તૈયારીઓ પણ આદરી છે.


