ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં 1000 વર્ષમાં પહેલી વખત ભારે વરસાદના પરિણામે આવેલા પુરમાં ૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે અને 12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ઝેંગઝોઉમાં પૂરના કારણે બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
છેલ્લા 24કલાકમાં ચીનમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઝેંગઝોઉ જળબંબાકાર થઈ ગયું છે. ભારે વરસાદના પરિણામે અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તો 160થી વધારે ટ્રેનને અટકાવી દેવામાં આવી છે. અહીં પૂર નિયંત્રણ વિભાગે સેકન્ડ હાઈએસ્ટ લેવલ-૨ ચેતવણી જાહેર કરી છે.
ચીનના પ્રમુખ શી જીનપીંગે પાણીમાં ડૂબેલા સબવે, હોટેલ અને જાહેર સ્થળો પર ફસાયેલા લોકોને બચાવવા માટે સૈન્ય તૈનાત કરી લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપવા સૂચના આપી છે.